ઉત્તર પ્રદેશ: આગ્રામાં શનિવારે સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં ત્રણેય પ્રસૂતાઓને તેમના પતિ પ્રસવપીડા ઉપડતા ડિલીવરી માટે લેડી લોયલ હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ હોસ્પિટલના દરવાજા પર ગાર્ડે થર્મલ સ્ક્રિનિંગ માટે તેમને રોક્યા હતા અને તે બાદ જ અંદર જવા દેશે તેમ જણાવતા મહિલાઓને તાત્કાલિક દાખલ કરવામાં આવી નહી અને તેમની હાલત વધુ બગડી હતી.
ગાર્ડે હોસ્પિટલના દરવાજા પર ત્રણેય પ્રસૂતાઓને રોકી રાખી હતી. પરંતુ એક કલાક સુધી તેમના થર્મલ સ્ક્રિનિંગ માટે કોઇ આવ્યુ નહી. આથી એક પ્રસૂતાના પતિ તેમના ઘરે જઇ પાડોશમાંથી અન્ય મહિલાઓને બોલાવી લાવ્યા જેમણે વારાફરતી ત્રણેય પ્રસૂતાઓની ડિલીવરી કરાવડાવી. આ ત્રણેય પ્રસૂતાઓએ પુત્રીઓને જન્મ આપ્યો છે.
લેડી લોયલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિટેન્ડન્ટ ડો.કલ્યાણી મિશ્રાએ જણાવ્યું હતું કે, કોવિડ -19 સંક્રમણને કારણે હોસ્પિટલમાં આવતા દરેક વ્યક્તિઓના થર્મલ સ્ક્રિનિંગની કડક સૂચના આપવામાં આવી છે. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. રિપોર્ટ બાદ દોષિત સામે કાર્યવાહી કરવામાં આવશે.