- ઉત્તરપ્રદેશના લલિતપુરમાં ચાર બાળકોના ખાડામાં પડી જવાથી મોત
- મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો
- મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે પરિવારને આર્થિક સહાય કરી
લખનઉ: ઉત્તર પ્રદેશના લલિતપુર જિલ્લામાં એક જ પરિવારના ચાર બાળકો પાણીથી ભરેલા ખાડામાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા હતા. ઘટના બાદ મૃતક બાળકોના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા.
4 બાળકોના ખાડામાં પડી જતા મોત
પોલીસ સ્ટેશન પુરાકલા હેઠળના ઝાબર ગામના મતેરા નિવાસી સંતોષ પ્રજાપતિના 8 વર્ષના પુત્ર અરવિંદ, 7 વર્ષીય નરેન્દ્ર અને 14 વર્ષીય પુત્ર રવિન્દ્ર અને સંતોષના નાના ભાઇ મુકંદીનો 12 વર્ષીય પુત્ર બ્રજેન્દ્રનો મૃતદેહ ઘરથી થોડે દૂર ખાડામાંથી મળી આવ્યો હતો.
ચારેય બાળકો બપોરે એક સાથે રમી રહ્યા હતા, તે દરમિયના આ ઘટના બની હતી. જોકે લાંબા સમય સુધી બાળકો ઘરે પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. તે દરમિયાન બાળકોના ચપ્પલ ખાડા પાસે મળી આવ્યા હતા. જે બાદ પરિવારે વધુ શોધખોળ કરતા બાળકોના મૃતદેહ ખાડામાંથી મળી આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે બાળકો એકબીજાને બચાવવાના પ્રયાસમાં ખાળામાં પડી ગયા અને તેમનું મોત થયું.
પરિવારને હત્યાની આંશકા
જોકે, મૃતક બાળકોના પિતાએ હત્યાની આંશકા વ્યકત કરી છે. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. આ કેસમાં SP કેપ્ટન એમ.એમ. બેગએ જણાવ્યું હતું કે, પોલીસને માહિતી મળી હતી કે ગામમાં એક જ પરિવારના ચાર બાળકો ખાડામાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે. જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચ હતી અને બાળકોના મૃતદેહને ખાડામાંથી બહાર કાઢીને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા, જ્યા તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો
આ ઘટનાની જાણ થતા મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે શોક વ્યક્ત કર્યો છે અને આ સાથે પરિવારને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.