નવી દિલ્હી: બજેટ સત્રના બીજા તબક્કાની કાર્યવાહી આજથી શરૂ થશે. કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ, દિલ્હીમાં હિંસાના મુદ્દાને સંસદમાં ઉઠાવશે અને દિલ્હી પોલીસની નિષ્ફળતાઓ પર અમિત શાહનું રાજીનામું માગશે.
કોંગ્રેસના સૂત્રોએ રવિવારે જણાવ્યું હતું કે, સંસદના બંને ગૃહોમાં સોમવારે કાર્યસ્થગન પ્રસ્તાવને નોટિસ આપીને દિલ્હી હિંસાના મુદ્દે ચર્ચા કરવાની માગ કરશે. લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પણ દિલ્હી હિંસા મુદ્દે ભાજપનો ઘેરાવ કરશે. અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, સરકાર કાયદા વ્યવસ્થાની સ્થિતિને બનાવી રાખવામાં ફેલ થઇ છે. રમખાણ ફેલાવનાર અને પોલીસ અધિકારીઓના એક વર્ગની મિલીભગત હોઇ શકે છે, જેના કારણે હિંસાએ દુનિયામાં ભારતની છબી પર દાગ લાગ્યો છે. આ આપણા બધા માટે ગંભીર ચિંતાનો વિષય છે.
TMC અને ડાબેરી પક્ષો સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ પણ રાજ્યસભા અને લોકસભામાં આ મુદ્દાને ઉઠાવશે. માકપાના રાજ્યસભા સભ્ય કે.કે રાગેશ બંને ગૃહમાં આ મુદ્દાને ઉઠાવશે. માકપાના મહાચિવ ડી. રાજાએ જણાવ્યું કે, અમારી પાર્ટીના સભ્યો સંસદમાં ગૃહપ્રધાન અમિત શાહ પાસે જવાબ માગશે. ગૃહપ્રધાન પાસે દિલ્હીમાં હિંસા મુદ્દે પોલીસની નિષ્ફળતા વિશે જવાબ માગશે.
કોંગ્રેસ વરિષ્ઠ પ્રવક્તા અભિષેક મનુ સિંધવીએ કહ્યું કે, કોંગ્રેસ દેશમાં લોકશાહીના મૂલ્યોને સમાપ્ત કરવાનો મુદ્દો સંસદમાં ઉઠાવવાની કોશિશ કરશે. કોંગ્રસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીની આગેવાની વાળા પ્રતિનિધિમંડળે ગુરુવારે કેન્દ્ર સરકારને રાજર્ધમની યાદ આપવતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પાસે ગૃહપ્રધાન શાહના રાજીનામાંની માગ કરી હતી.
નાગરિકતા કાયદા (CAA)ના વિરોધમાં ઉત્તર-પૂર્વ દિલ્હીના કેટલાક વિસ્તારોમાં હિંસા થઇ હતી. જેમાં 42 લોકોના મોત થયા છે અને 200થી વધારે લોકો ઘાયલ થયા છે.