ભોપાલ ગેસ દુર્ઘટનાના પીડિતો માટે 30 વર્ષ સુધી લડતા અબ્દુલ જબ્બારનો પરિવાર લાંબા સમયથી સરકાર પાસે સહાયની આશ લગાવીને બેઠો હતો, પરંતુ સરકાર તરફથી સહાય મળી ત્યારે બહુ મોડું થઈ ચુક્યું હતું. અવસાનના થોડા કલાક પહેલા પૂર્વ મુખ્યપ્રધાન દિગ્વિજય સિંહે તેમની સાથે મુલાકાત કરી હતી. તેમને સારવાર માટે મુંબઇ લઈ જવાશે તેવો દિલાસો આપ્યો હતો. અબ્દુલ જબ્બારની સારવાર શુક્રવારે મુંબઈમાં શરુ થવાની હતી. તેમને મુંબઈ લઈ જવાની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી હતી. સહાય મળવાથી પરિવાર ખુશ હતો, પરંતુ તેમની આ ખુશી વધુવાર ટકી ન હતી, અને થોડી કલાકો બાદ જ તેમનું અવસાન થયું હતું.
મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાને ટ્વીટ કરી ભરોસો આપ્યો હતો કે, અબ્દુલ જબ્બારને સારી સારવાર મળશે. સરકાર તેમને દરેક પ્રકારે મદદ કરવા ખડેપગે રહેશે. પરંતુ અચાનક તેમને ઘભરાટ શરૂ થયો હતો. ડૉક્ટરોએ તેમની સારવાર શરૂ કરી હતી, થોડા સમય બાદ ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કરાયા હતા.
અબ્દુલ જબ્બારે ગેસ પિડિતો માટે લાંબા સમય સુધી લડત કરી હતી. તેમને લોકો હંમેશા ગેસ પીડિતોના લડવૈયા તરીકે યાદ રાખશે. ગેસ પીડિતોને વળતર મળે તે માટે ભોપાલથી દિલ્હી સુધી લડત કરી હતી. આ લડવૈયાની અંતિમવિધિ શુક્રવારે ભોપાલ ખાતે કરવામાં આવશે.