- ફરિદાબાદમાં વિદ્યાર્થિનીની ગોળી મારી કરાઈ હત્યા
- આરોપી તૌફિકે વિદ્યાર્થિનીને ગાડીમાં ખેંચી હતી
- પોલીસે આરોપી તૌફિકની ધરપકડ કરી
- આરોપી વિદ્યાર્થિનીને મિત્રતા માટે કરતો હતો દબાણ
ફરિદાબાદઃ મૃતકના ભાઈએ કહ્યું, તેમની બહેન બીકોમના છેલ્લા વર્ષમાં હતી. ધોરણ 12માં તેની બહેનને 95 ટકા આવ્યા હતા. બીકોમ ઓનર્સમાં પણ તે દરેક ક્લાસમાં ટોપર હતી. તેની ઈચ્છા સેનામાં લેફ્ટનન્ટ બનીને દેશની સેવા કરવાની હતી, પરંતુ તૌફિકે બધુ બરબાદ કરી દીધું.
વિદ્યાર્થિની ભણવામાં ખૂબ હોંશિયાર હતી
વિદ્યાર્થિનીએ થોડા સમય પહેલા જ એરફોર્સમાં અધિકારી પદ માટે પરીક્ષા પણ આપી હતી. પરીક્ષા ખૂબ સારી ગઈ હતી. તે એનડીએ માટે સતત તૈયારી કરી રહી હતી. સોમવારે તેની બીકોમ ઓનર્સનું છેલ્લું પેપર હતું. ત્યારબાદ તે સંપૂર્ણ રીતે તૈયારીમાં જોડાવવા માગતી હતી. તો બીજી તરફ તેના વિસ્તારમાં રહેતા લોકોનું કહેવું છે કે, આ બાળકી ભણવામાં ખૂબ જ હોંશિયાર હતી. પરિવારની સાથે સાથે પાડોશમાં પણ શોકનો માહોલ છે. લોકો અત્યારે પણ આ વાત પર વિશ્વાસ નથી કરી રહ્યા કે બાળકીની હત્યા થઈ ગઈ છે.
બાળકીની હત્યાના આરોપીની ધરપકડ, મિત્રતા કરવા કરતો હતો દબાણ
ઉલ્લેખનીય છે કે, સોમવારે વિદ્યાર્થિની જ્યારે પરીક્ષા આપીને ઘરે જઈ રહી હતી ત્યારે આરોપી તૌફિકે વિદ્યાર્થિનીને ગોળી મારી તેની હત્યા કરી નાખી હતી. આરોપીએ પહેલા વિદ્યાર્થિનીને કારમાં ખેંચવાનો પ્રયત્ન કર્યો હતો, જેમાં તે નિષ્ફળ રહેતા આખરે ગોળી મારી દીધી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી દીધી છે.