ઉડુપી/કર્ણાટક: યોગના લીધે ભારત વિશ્વભરમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે અને વિશ્વમાં ભારતે એક અલગ દરજ્જો પ્રાપ્ત કર્યો છે. દરેક માણસ ક્યારેક ને ક્યારેક યોગ કરે છે. ઉડુપીની તનુશ્રીએ 100 મીટરની દોડ ચક્રાસન મુદ્રામાં પૂરી કરી છે. તનુશ્રીના નામે પહેલેથી જ 4 વિશ્વ વિક્રમ છે. તનુશ્રીએ આ સિલસિલો યથાવત રાખ્યો છે અને એક બીજો વિશ્વ વિક્રમ હાંસલ કર્યો છે. તનુશ્રીએ ખૂબ જ ઓછા સમયમાં ચક્રાસનમાં 100 મીટરની દોડ પૂર્ણ કરી છે. 10 વર્ષની તનુશ્રીની પ્રતિભાથી વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયું છે. ચક્રાસન મુદ્રામાં 10 મીટર ચાલવું પણ અઘરું હોય છે. પહેલાં આ વિશ્વ વિક્રમ હિમાચલ પ્રદેશની સમીક્ષા ડોગરાના નામે હતો. સમીક્ષાએ 100 મીટરની દોડ 6 મીનિટમાં પૂરી કરી હતી. જ્યારે તનુશ્રીએ 100 મીટરીની દોડ 1 મીનિટ અને 14 સેકન્ડમાં પૂરી કરી હતી.
તનુશ્રીના નામે પહેલેથી જ ચાર વિશ્વ વિક્રમ છે. 2017માં તનુશ્રીએ 19 વખત નીરાલમ્બા પૂર્ણા ચક્રાસન કર્યું હતું અને તેની નોંધણી વિશ્વ વિક્રમ તરીકે કરાઈ હતી. તનુશ્રીએ 2018માં છાતી અને માથાને સ્થિર રાખી 1.42 મીનિટમાં 42 વખત શરીરને ખસેડ્યું હતું. ત્યારબાદ તેની નોંધણી ગિનીસ વલ્ડ રેકોર્ડમાં થઈ. 2019માં તેણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો હતો. તેણે ભાનુર આસન યોગ મુદ્રા 1.40 મીનિટમાં 96 વખત કરી હતી. તેની પણ વિશ્વ વિક્રમ તરીકે નોંધ લેવાઈ. ઉડુપી જિલ્લામાં આ ગર્વની વાત છે. પોતાની આગવી પ્રતિભાથી તનુશ્રીને ઈટલીના રોમ શહેરમાં યોગના અભ્યાસુ અને વ્યવસાયિકો સાથે યોગ કરવાનો મોકો મળ્યો હતો. યોગના નિષ્ણાતો એવુ કહી રહ્યાં છે કે, ભવિષ્યમાં પણ કોઈ તનુશ્રીનો રેકોર્ડ તોડી નહીં શકે.
યોગની સાથે સાથે તનુશ્રી નૃત્ય અને અભિનયમાં પણ પારંગત છે. તનુશ્રીને સતત સારું કામ કરવાની પ્રેરણા ઘર તરફથી મળી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે, શું આવતા વર્ષે પણ તનુશ્રી કોઈ નવો વિશ્વ વિક્રમ પોતાના નામે કરે છે કે નહિ...