નિકોલ પોલીસ પાસે 30 લોકો એક ફેકટરીમાં કામ કરી રહ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી, જેમને બળજબરી પૂર્વક કામે રાખવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે રેડ કરી ત્યારે 94 લોકો હાજર હતા. જેમનું પોલીસે રેસ્ક્યુ કરીને છોડાવ્યા હતા. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ તમામ લોકોને ગોંધી રાખવામાં આવ્યા હતા અને તેમની મરજી વિરુદ્ધ કામ કરાવવામાં આવતું હતું.
નાગાલેન્ડ અને આસામના એજન્ટ દ્વારા આ મજૂરોને અમદાવાદના મુકેશ ભરવાડ પાસે મોકલવામાં આવતા હતા અને મુકેશ ભરવાડ અહીં તેમને કામ કરાવતો હતો. આ તમામ મજૂરોને એસપી રિંગ રોડ પાસેના રણાંસણ ફાર્મ હાઉસમાં રાખવામાં આવતા હતા. આ સમગ્ર મામલે મુકેશ ભરવાડ નામના શખ્સની ધરપકડ કરી 3 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ તમામ મજૂરોને પગાર પણ આપવામાં આવતો નહતો અને તેમને ઘરે પણ જવા દેવામાં આવતા નહોતા. આ સમગ્ર મામલે જુવેલાઈન, ચાઈલ્ડ લેબર, બોન્ડેડ લેબરના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસની અન્ય એજન્સીઓ દ્વારા પણ તપાસ કરવામાં આવશે અને તમામ મજૂરોનું નિવેદન લઈને તેમને એમના ઘરે પરત મોકલી દેવામાં આવશે.
હાલ કેટલી કંપનીઓમાં આ મજૂરોને કામ કરાવવમાં આવતું હતું અને આ કેસમાં કંપનીના માલિકની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.