ગુવાહાટી :એક તરફ દેશમાં કોરોના વાઇરસની મહામારી છે. ત્યારે બીજી તરફ કેટલાક રાજ્યોમાં પૂરે તાંડવ મચાવ્યો છે. આસામ અને બિહરમાં અનેક ગામડાઓ પાણીમાં ડુબ્યા છે.આસામમાં પૂરને કારણે સ્થિતિ ગંભીર બની છે. પૂરને કારણે રાજ્યમાં વધુ 5 લોકોના મોત થયાં છે. તેમજ પૂર અને ભૂસ્ખલનને કારણે અત્યાર સુધીમાં 128 લોકોના મોત થયાં છે.
આસામમાં બારપેટા તથા કોકરાઝાર જિલ્લામાં બે વ્યકિતનાં મોત નીપજ્યાં હતા. તેમજ મોરીગામ જિલ્લામાં એક વ્યકિતનું મોત થયું હતું. રાજ્યમાં પૂરમાં ફસાયેલા લોકોના રાહત-બચાવ કાર્ય માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટૂકડીઓ કામે લાગેલી છે.નદીઓમાં પાણીનું વધી રહ્યું હોવાના કારણે લોકો પોતાનાં ઘર છોડીને રાહત છાવણીમાં રહેવા માટે મજબૂર બન્યાં હતા.
રાજ્યમાં 24.76 લાખથી વધુ લોકો પૂરથી અસરગ્રસ્ત છે. તેમજ ગોલપાડામાં 4.7 લાખ લોકો પૂરથી અસરગ્રસ્ત છે. આ ઉપરાંત રાહત બચાવ કાર્ય માટે રાજ્યમાં 101 બોટ તૈનાત કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લા વહીવટ અને સ્થાનિક લોકોએ 188 લોકોને બચાવ્યા છે.