ઋષિકેશ: નીલકંઠ માર્ગ પાસેના જંગલમાં 24 માર્ચથી એક ગુફામાં રહેતા 5 વિદેશી નાગરિકોની પોલીસે ધરપકડ કરી છે. તેમાં 2 મહિલાઓ છે. પોલીસની જાણકારી અનુસાર વિદેશી નાગરિકો પાસે હોટલમાં રહેવાના પૈસા પૂરા થઇ ગયા હતા. ત્યારે તેઓએ ગુફાને જ આશરો બનાવી લીધો હતો.
તેઓ ગુફાની પાસે આવેલી બજારમાંથી જ રાશન લઇને જમવાનું બનાવતા હતા. સ્થાનિક લોકોની માહિતી પર પોલીસે તેમની ધરપકડ કરી હતી. તેમજ તેઓનું સ્વાસ્થ્ય પરિક્ષણ કરતા તેઓમાં કોરોનાના કોઇ લક્ષણો જણાતા નહોતા. ત્યારબાદ પોલીસે તેઓને કોરેન્ટાઇન કર્યા હતા.