ન્યૂઝ ડેસ્કઃ 6 એપ્રિલ 1980 એટલે કે ભારતની સત્તાધારી પાર્ટીનો ભાજપનો ઉદય. ભાજપનો ઇતિહાસ અત્યંત રસપ્રદ અને રોચક છે. ભાજપ જ્યારે આજે પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે, ત્યારે એક નજર નાખીએ રોચક ઈતિહાસ પર...
શ્યામાપ્રસાદ મુખર્જીએ 1951માં જન સંઘની સ્થાપ્ના કરી હતી. જે 1977માં ભાજપમાં વિલય થયો. આ એ જ સમયગાળો હતો જ્યારે ભારતમાં તત્કાલિન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ કટોકટી લગાવી હતી. જેનો બહોળો વિરોધ ભાજપે વ્હોરી લીધો હતો. જેમાં અત્યારના વડાપ્રધાન સહિત અનેક નેતાઓએ સરકાર વિરોધ સુત્રોચ્ચાર સાથે કટોકટીનો વિરોધ કર્યો હતો, ત્યારબાદ અટલ બિહારી બાજપેયીના નેતૃત્વમાં પક્ષ સતત મજબૂત બનતો ગયો. બાજપેયીની ઉદાર હિન્દુત્વવાદી નીતિએ સમાજમાં બહું ઉંડે સુધી પોતાની છાપ છોડી.
1984થી 1998 સુધી પોતાની હિન્દુત્વવાદી નીતિમાં ભાજપે અનેક પરિવર્તનો આણ્યા પણ કેન્દ્રમાં સત્તા હાસલ કરી શકે અને કાર્યકાળ પૂરો કરી શકે એટલી બેઠકો ન આવી. આખરે 1999માં બાજપેયીના નેતૃત્વમાં ઉદાર હિન્દુત્વની નીતિ સાથે નેશનલ ડેમોક્રેટિક એલાય્નસ (NDA)ની સ્થાપ્ના થઇ. બાજપેયીના નેતૃત્વમાં જ આ સરકારે પાંચ વર્ષ પૂરા કર્યા. જો કે, વર્ષ 2004ની સામાન્ય ચૂંટણીઓમાં NDA અને ભાજપનો પરાજયનો સામનો કરવો પડ્યો. વાજપેયી પછી લાલકૃષ્ણ અડવાણીના નેતૃત્વને દેશમાં સ્વીકૃતિ ન મળી, જેથી 2014 સુધીનો એક દાયકો કોંગ્રેસના નેતૃત્વ હેઠળના UPAનો રહ્યો. આ સમયગાળો ભ્રષ્ટાચાર અને કૌભાંડોથી ખરડાયેલો હતો. જેનું પરિણામ એ આવ્યું કે 2014માં નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વએ ભાજપને 282 બેઠકોની જંગી બહુમતી અપાવી.
કોંગ્રેસ પછી જો કોઇ એક પક્ષને ભારતીય લોકસભામાં સંપૂર્ણ અને જંગી બહુમતી મળી હોય તેવી ઘટના ભારતના રાજકીય ઇતિહાસમાં 2014માં પહેલીવાર બની હતી. આ ભાજપના રાજકીય ઇતિહાસનું સર્વોચ્ચ શિખર હતું, જો કે, 2019ની ચૂંટણીનું ગણિત અલગ હોવા છતાં ભાજપે ફરી ઐતિહાસિક બહુમતી મેળવી અને નરેન્દ્ર મોદી ફરીવાર વડાપ્રધાન બન્યાં.
રાજકીય પંડિતો ચોક્કસ ભાજપના સમયને સુવર્ણ યુગ કહી શકે, પરંતુ ભાજપે પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશમાં પોતાની સરકાર બનવાની બાકી છે. આ રાજ્યોમાં જ્યારે કમળ સંપૂર્ણ ખીલશે, ત્યારે જ ભાજપનો સુવર્ણ યુગ કહેવાય. ભાજપે સૌથી વધુ કાર્યકરો બનાવવાનો રેકોર્ડ પણ સ્થાપ્યો છે. 2014માં સરકાર બન્યા બાદ 11 કરોડ સભ્યો અને 2019માં 18 કરોડ સભ્યોનો પરિવાર ભાજપે બનાવ્યો છે. અત્યારે ભાજપની લોકસભામાં 303 બેઠકો છે, રાજ્યસભામાં 83 બેઠકો છે. સમગ્ર દેશમાં 11 રાજ્યોમાં સત્તા સાથે ભાજપના 1320 ધારાસભ્યો છે, જ્યારે 7 રાજ્યોમાં સહયોગી પક્ષો સાથેની સરકાર બનાવી છે.
1991માં રામ મંદિર આંદોલનથી 120 બેઠક જીતનાર ભાજપ 1996માં ભાજપ 161 બેઠકો જીત્યું, જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીના જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના સપનાને નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીએ સાકાર કર્યું છે. જો કે, આ 40 વર્ષમાં ભાજપના કોર મુદ્દાઓ રામ જન્મભૂમિ, કલમ-370 પૂર્ણ થયા છે, તો યુનિવર્સલ સિવિલ કોડનો મુદ્દો હજુ પણ બાકી છે. આ ઉપરાંત હવે NRCના મુદ્દે ભાજપે મોરચો ખોલ્યો છે. જેનો વિરોધ પણ થયો હતો. આજે વડાપ્રધાન મોદીની લોકપ્રિયતા એટલી વધી છે કે, ગ્રામિણ વિસ્તારોમાં પણ લોકો મોદીની કહેલી વાતોને અભિયાનની જેમ ચલાવે છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ કોરોના દિપોત્સવ છે...
ઈતિહાસ
- 1951 : શ્યામાપ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના કરી.
- 1977 : ભારતીય જનસંઘ જનતા પાર્ટીમાં વિલિન થયું. જનતા પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસને હાર આપી, મોરારજી દેસાઈની આગેવાની હેઠળ સરકાર બનાવી.
- 1980 : જનતા પાટીમાં સામેલ જનસંઘના સભ્યોએ અટલ બિહારી વાજપેયીનાં નેતૃત્વ હેઠળ ભાજપની રચના કરી.
- 1984 : લોકસભાની ચૂંટણીમાં પ્રથમ વખત પક્ષ તરીકે લડેલા ભાજપને 2 બેઠક મળી.
- 1989 : ચૂંટણીમાં કુલ 88 બેઠક મેળવી પક્ષ રાષ્ટ્રીય ફલક પર ઉભરી આવ્યો, જનતા દળ ગઠબંધન સરકારને સમર્થન આપ્યું.
- 1990 : રામ જન્મભૂમિ આંદોલનમાં લાલકૃષ્ણ અડવાણીને જેલ થઈ, ભાજપે સરકારને સમર્થન પાછું ખેંચી લીધું.
- 1996 : ચૂંટણી પરિણામોમાં ભાજપ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો, વાજપેયી વડાપ્રધાન બન્યા, પરંતુ કાળક્રમે 271 સાંસદોનું સમર્થન ન મળતાં અંતે રાજીનામું આપ્યું.
- 1998 : ફરી એક વખત ભાજપની આગેવાની હેઠળ સાથી પક્ષો સાથે એનડીએને બહુમતી મળી, ચૂંટણીમાં 302 બેઠકો મળી અને લોકસભાના કાર્યકાળ દરમ્યાન ભાજપનું શાસન રહ્યું.
- 2004 : એનડીએને 136 જેટલી બેઠકો મળી.
- 2009 : એનડીએનો જુવાળ ઘટ્યો અને 118 જ બેઠકો મેળવી શક્યું.
- 2014 : 2014ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ એનડીએ જંગી બહુમતી સાથે સત્તા પર આવ્યું.
- 2019 : 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે 303 બેઠક જીતી, એનડીએ ફરીથી જંગી બહુમતી સાથે સત્તા મેળવી.