સ્ટોકહોમઃ હેપેટાઈટિસ સી વાઈરસની શોધ કરનારા ત્રણ વૈજ્ઞાનિકોને આ વર્ષે મેડિસીનનો નોબલ પુરષ્કાર આપવામાં આવ્યો છે. અમેરિકાના વૈજ્ઞાનિક હાર્વિ જે અલ્ટર, ચાર્લ્સ એમ. રાઈસ અને બ્રિટેનના માઈકલ હાગટનને વર્ષ 2020 નોબલ પુરસ્કાર આપવાની ઘોષણા કરવામાં આવી છે.
નોબલ કમિટીના પ્રમુખ થોમસ પર્લમેને સ્ટોકહોમમાં આની ઘોષણા કરી હતી. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું માનવું છે કે, દુનિયામાં હેપેટાઈટિસના 70 મિલિયન કેસ છે અને દર વર્ષે આ બીમારીના કારણે 4 લાખ લોકોના મોત થાય છે. આ રોગને ક્રોનિક બીમારીની શ્રેણીમાં રાખવામાં આવે છે અને લીવરથી જોડાયેલી બીમારીઓ અને કેન્સરનું આ મુખ્ય કારણ છે.
તમને જણાવી દઈએ કે, ચિકિત્સા ક્ષેત્રનો સૌથી મોટો મનાતા નોબલ પ્રાઝમાં 10 મિલિયન સ્વીડિશ ક્રોનર અને એક ગોલ્ડ મેડલ આપવામાં આવે છે. અમેરિકી ડોલરમાં આ રાશિ 11,18,000 થાય છે. આ પુરસ્કાર સ્વીડનના વૈજ્ઞાનિક અલ્ફ્રેડ નોબલની યાદમાં આપવામાં આવે છે, જેમણે 124 વર્ષ પહેલા એક ફંડનું નિર્માણ કર્યું હતું. આ ફંડથી દુનિયામાં ખાસ શોધ માટે પુરસ્કાર આપવામાં આવે છે. આ વર્ષે કોરોના સંક્રમણના કારણે ચિકિત્સા ક્ષેત્રે આપવામાં આવનારા આ નોબલ પુરસ્કાર ખૂબ જ મહત્ત્વનો છે. કોરોના સંક્રમણે દુનિયા માટે મેડિકલ ક્ષેત્રમાં રિસર્ચનું મહત્ત્વ વધારી દીધું છે.
જણાવી દઈએ કે નોબલ પુરસ્કાર 6 ક્ષેત્રમાં આપવામાં આવે છે, જેની ઘોષણા દર વર્ષે 12 ઓક્ટોબરે કરવામાં આવતી હોય છે. આ ક્ષેત્રમાં ભૌતિક, રસાયણ વિજ્ઞાન, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્રનો સમાવેશ કરવામાં આવે છે.