ન્યૂઝ ડેસ્કઃ રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા સર્વે (NCERT) કરવામાં આવ્યો છે કે, 27 ટકા સેન્ટ્રલ સ્કૂલના બાળકો પાસે ફોન કે લેપટોપ નથી.
વિદ્યાર્થીઓના સરકારી સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, મોટાભાગના લોકોને ઓનલાઇન શિક્ષણ “આનંદકારક” કે “સંતોષકારક” લાગે છે. તેમ છતાં, ગણિત અને વિજ્ઞાન જેવા વિષય ભણવામાં અઘરા લાગે છે. રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) દ્વારા કેન્દ્રીય વિદ્યાલય (KVs) અને નવોદય વિદ્યાલય (NVs) જેવી CBSE સંલગ્ન શાળાઓમાં અભ્યાસ કરતા 18,188 વિદ્યાર્થીઓને આવરી લેતા આ સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યો છે.
શિક્ષણ મંત્રાલયે બુધવારે એટલે કે, 19 ઓગસ્ટના રોજ જારી કરેલા અહેવાલ અનુસાર, તેના ‘સ્ટુડન્ટ્સ લર્નિંગ એન્હાન્સમેન્ટ ગાઇડલાઇન્સ’ના ભાગ રૂપે, લગભગ 33 ટકા લોકોને લાગ્યું કે, ઓનલાઇન શિક્ષણ "મુશ્કેલ" અથવા "બોજારૂપ" છે.
મહત્વનું છે કે, જેઓ ઓનલાઇન વર્ગો કરવા સક્ષમ છે, તેમના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે, લગભગ 84 ટકા લોકો ઓનલાઇન વર્ગોને એક્સેસ કરવા માટે સ્માર્ટફોન પર આધાર રાખે છે. લેપટોપ બીજા સ્થાને છે અને તેનો ઉપયોગ લગભગ 17 ટકા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવે છે. જ્યારે ટીવી અને રેડિયોનો ઉપયોગ ઓનલાઇન વર્ગો માટે ઓછામાં ઓછો થાય છે.
આ સર્વેમાં એવા વિષયો પણ છે, જેમાં બાળકોને ઘરે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. સર્વે ટીમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, "ગણિત વિષયમાં સૌથી વધારે તકલીફ પડી રહી છે. જેમાં વિદ્યાર્થીઓ સાથે સતત વાતચીત કરતા રહેવું જરુરી છે. તેમની મૂંઝવણ દૂર કરવી જરુરી છે. ઓનલાઈન ભણતરમાં આ પાસાઓમાં તકલીફ જોવા મળી રહી છે."
વધુમાં સર્વેમાં જણાવવામાં આવ્યું હતું કે, "વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓને તકલીફ પડી રહી છે, કારણ કે અમુક પ્રયોગો એવા હોય છે, જે પ્રયોગશાળામાં જ થઈ શકે છે." આ સર્વે NCERT દ્વારા કરવામાં આવ્યો હતો. જે લોકો પાસે ડિજિટલ વ્યવસ્થા નથી, તે લોકો માટે સરકારે કહ્યું છે કે, તેમની આસપાસ રહેતા શિક્ષકો આ વિદ્યાર્થીઓની મદદ કરી શકે છે. ગામડાઓમાં ટીવીની સુવિધા ઉપલબ્ધ કરાવીને વિદ્યાર્થીઓને ભણતર આપી શકાય છે.