ગોવા: સોમવારે ગોવા આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી એક સ્પેશિયલ ફ્લાઈટ મારફતે 265 બ્રિટીશ નાગરિકો UK જવા માટે રવાના થયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, કોવિડ-19ના કારણે લૉકડાઉન કરવામાં આવ્યા બાદ રશિયા, ફ્રાન્સ, યુએસ, કેનેડા સહિતના 5,000થી વધુ વિદેશી પ્રવાસીઓને પરત મોકલવામાં આવ્યા છે.
ગોવા એરપોર્ટના ડિરેક્ટર ગગન મલિકે પત્રકારોને જણાવ્યું કે, ગોવા આંતરરાષ્ટ્રીય વિમાનમથકની વિદેશી પ્રવાસીઓને મોકલનારી આ 27મી સ્પેશિયલ ફ્લાઈટ હતી. અમે 25 માર્ચથી 5,233 મુસાફરોને ઘરે જવા માટેની સુવિધા આપી છે. ગોવા મુસાફરોમાં લોકપ્રિય હોવાથી ગોવા આંતરરાષ્ટ્રીય હવાઈમથક ભારતમાં મહત્તમ રાહત ફ્લાઈટનું સંચાલન કરી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગોવા કોરોનાથી મુક્ત થયું છે. ગોવામાં કુલ 7 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા, ત્યારે આ સાતે સાત દર્દીની રિકવરી થતાં હાલ ગોવામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી.