નવી દિલ્હી: ટુરિસ્ટ વિઝા પર ભારત આવીને તબલીગી જમાતના ધાર્મિક મેળાવડામાં ભાગ લેનારા 2550 વિદેશી નાગરિકો સામે સરકારે કડક કાર્યવાહી કરી છે. મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલયે બ્લેક લીસ્ટ જાહેર કર્યું છે. જેમાં આ વિદેશી નાગરિકોને આગામી 10 વર્ષ સુધી ભારતમાં પ્રવેશવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
નિઝામુદ્દીન મરકઝમાં તબલીગી જમાતના મેળવાડામાં વિદેશી નાગરિકો ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યા હતા અને તેમણે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિઝા નિયમોના ઉલ્લંઘન બદલ સરકારે આ નાગરિકો સામે કડક કાર્યવાહી કરી છે અને તેમના પર 10 વર્ષનો પ્રતિબંધ મુક્યો છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં તબલીગી જમાતના કાર્યક્રમ બાદ દેશમાં કોરોનાના પોઝિટિવ કેસમાં નોંધપાત્ર વધારો થયો હતો.