રાજસ્થાનઃ ચૂરૂ જિલ્લાના સુજાનગઢમાં એક જ પરિવારના 25 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધમ મચી છે. ઘટનાની જાણ થતાં દર્દીઓને તાત્કાલિક ધોરણે કોવિડ ટીમ દ્વારા ત્રણ એમ્યુલન્સ થકી કોવિડ સેન્ટરમાં ખસેડાયા છે.
સુજાનગઢના રાજકીય બગડિયા હોસ્પિટલના તબીબ દિલીપ સોનીએ જણાવ્યું હતું કે, આ પરિવારના બે સભ્ય હરિદ્વારથી અસ્થિ વિર્સજન કરીને પરત ફર્યા હતા.વળી, આ લોકો જેમની અસ્થિનું વિસર્જન કરવા ગયા હતા, તે લોકો પણ કોરોના પોઝિટિવ હતા. અસ્થિ વિર્સજન કરીને પરત ફરેલા પરિવારના તમામ સભ્યો મૃત્યુભોજ માટે એકઠાં થયાં હતા. ત્યારબાદ શુક્રવારે પરિવાર અને તેમના સંપર્કમાં આવેલા 86 લોકોના સેમ્પલ લેવામાં આવ્યાં હતા. જેમાંથી શનિવારે 25 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો.
નગરપરિષદ બાદ વોર્ડને સેનિટાઈઝર કરવામાં આવ્યું હતુ અને અધિકારીઓ દ્વારા વોર્ડને સીલ કરાયું હતું. ત્યારબાદ SSP સીતારામ માહિચ, નગરપરિષદના નાયબ સભાપતિ બાબુલાલ કુલદીપે વોર્ડની મુલાકાત કરી હતી. તેમજ વોર્ડના તમામ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી હતી.
સુજાનગઢમાં 25 લોકો કોરોના પોઝિટિવ
ચૂરૂ જિલ્લાના સુજાનગઢમાં શનિવારે 28 લોકોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેમાંથી સુજાનગઢમાંથી જ 25 લોકો કોરોના પોઝિટિવ છે. જ્યારે સરદાર શહેરમાં એક ચૂરૂ અને રાજગઢનો એક વ્યક્તિ પોઝિટિવ છે. CMHO ડૉ. ભંવરલાલ સર્વાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોના સંક્રમિતોની સંખ્યા 593ને પાર પહોંચી છે. જેમાં 457 લોકો સાજા થયા છે. હાલ, 133 દર્દીઓ સક્રિય છે. અત્યારસુધીમાં 19,254 લોકોના સેમ્પલ લેવામાં આવ્યાં છે.