ન્યૂઝ ડેસ્કઃ ભારતમાં કોરોનાનો પ્રથમ કેસ સામે આવ્યો, તેને લગભગ એક વર્ષ થવા આવશે, તેમ છતાં આ જીવલેણ વાઇરસનો ભય હજી પણ લોકોના મનમાં ડોકાઇ રહ્યો છે. શરૂઆતમાં ભારે મોટી સંખ્યામાં લોકો મોતને ભેટતા હતા, પણ હવે ડોક્ટરો આ બિમારીની સારવાર કેવી રીતે કરવી, તે સમજવામાં અમુક અંશે સક્ષમ થઇ ગયા છે. કોરોનામાંથી મુક્ત થઇ ગયા પછીની અસરો ડોક્ટરો અને સંશોધકોને ચિંતિત કરી રહી છે. બીજી તરફ, કોરોના સામેની રસી ટૂંક સમયમાં જ બજારમાં ઉપલબ્ધ કરવામાં આવશે, તેવી જાહેરાત થઇ ચૂકી હોવા છતાં વાઇરસનું સતત બદલાઇ રહેલું સ્વરૂપ, જુદા-જુદા દર્દીઓમાં કોરોનાનાં લક્ષણોમાં જોવા મળતી ભિન્નતા અને શરીરમાં તેની અસરોને કારણે લોકો રસીની અસરકારકતા સામે શંકાની નજરે જોવા માંડ્યા છે.
કોવિડ-19 અને તેની અસરોને કારણે શરીરના લગભગ તમામ ભાગોમાં કેટલીક ગંભીર સ્થિતિ ઉત્પન્ન થાય છે. શ્વસનતંત્ર હોય, પાચન તંત્ર હોય કે નર્વસ સિસ્ટમ હોય, શરીરના તમામ ભાગોને આ વાઇરસને કારણે ભારે નુકસાન પહોંચે છે, જોકે, આ લક્ષણોમાં વ્યક્તિએ-વ્યક્તિએ ભિન્નતા પ્રવર્તે છે. આથી, ઇટીવી ભારત સુખીભવની ટીમ 2020ની તેની કોવિડ-19 ડાયરીમાંથી આ ઘાતક બિમારી અને તેની અસરોને લગતી કેટલીક માહિતી સંક્ષિપ્તમાં રજૂ કરે છેઃ
કોવિડ-19: મહામારી
કોવિડ-19નો પ્રથમ કેસ ચીનના વુહાન શહેરમાં નોંધાયો હતો, જે ક્રમશઃ અન્ય દેશોમાં ફેલાતો ગયો અને આ વાઇરસે ગણતરીના મહિનાઓમાં સમગ્ર વિશ્વમાં તબાહી સર્જી દીધી. આ બિમારીને શરૂઆતમાં 'SARS-CoV-2' નામ આપવામાં આવ્યું, જે પછીથી કોરોનાવાઇરસ ડિસીઝ 2019ના ટૂંકા નામ એવા કોવિડ-19 (કોવિડ-12480019) તરીકે ઓળખાઇ. શરૂઆતના તબક્કામાં શરદી, ખાંસી અને ઊંચો તાવ આવે, તેને કોરોનાનાં લક્ષણો ગણવામાં આવતાં હતાં. પણ બિમારી આગળના તબક્કામાં પહોંચી, તે સાથે લક્ષણોમાં ફેરફારો થવા માંડ્યા અને શ્વાસ લેવામાં તકલીફ થવી, સ્વાદ અને સૂંઘવાની શક્તિ જતી રહેવી વગેરે લક્ષણોનો પણ યાદીમાં ઉમેરો થયો. યાદી લાંબી થઇ અને તેમાં ઝાડા, માથું દુખવું, શરીર દુખવું, અત્યંત થાક લાગવો અને નબળાઇ જેવાં લક્ષણો પણ ઉમેરાયાં.
આ વર્ષે લાખો લોકોએ કોરોનાના કારણે તેમના જીવ ગુમાવ્યા અને કોરોનાને અત્યાર સુધીની સૌથી ગંભીર મહામારી ગણવામાં આવી રહી છે. આ બિમારીએ લોકોની જીવનશૈલીમાં સમૂળગું પરિવર્તન લાવી દીધું અને વાઇરસે વિશ્વભરનાં લોકો પર શારીરિક રીતે અથવા તો માનસિક રીતે મોટાપાયે વિપરિત અસર પહોંચાડી. ફિઝીકલ ડિસ્ટન્સ જાળવવાની સાથે-સાથે માસ્ક પહેરવું અને હાથને તેમજ અન્ય ચીજોને સતત સેનિટાઇઝ કરતા રહેવાની પ્રવૃત્તિ તમામ લોકો માટે અત્યંત જરૂરી થઇ પડી.
કોમોર્બિડ બિમારીઓ ધરાવનારા લોકો પર કોરોનાની અસર
હૃદય સંબંધિત બિમારી, હાઇ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કેન્સર વગેરે જેવી રોગિષ્ઠ આરોગ્યલક્ષી તકલીફોથી પીડાનારા લોકો પર આ સંક્રમણની ઘણી વિપરિત અસર પડી. ઉપર જણાવ્યા મુજબની આરોગ્યની સ્થિતિ ધરાવનારા લોકોની રોગપ્રતિકારક શક્તિ અગાઉથી જ નબળી હોય છે અને તેમાંયે વધુ ચિંતાજનક બાબત એ છે કે, કોરોનાવાઇરસ પણ સીધો વ્યક્તિની રોગપ્રતિકારક વ્યવસ્થા પર જ હુમલો કરે છે, જેને કારણે અગાઉથી જ બિમારી ધરાવનારા લોકોમાં આ બિમારીનો ભોગ બનવાની શક્યતા ઘણી વધી જાય છે. ખાસ કરીને હૃદયની બિમારી ધરાવનારા દર્દીઓ વિશે વાત કરીએ તો, પ્રાપ્ત ડેટા અનુસાર, 2020ના વર્ષમાં હૃદય સંબંધિત બિમારીના કેસોમાં પણ અગાઉની તુલનામાં વધારો નોંધાયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા પ્રસિદ્ધ કરાયેલી માહિતી અનુસાર, આ વર્ષે હૃદય રોગનો હુમલો આવવાના કારણે વિશ્વભરમાં નીપજેલાં લોકોનાં મોતની સંખ્યા છેલ્લાં વીસ વર્ષમાં સૌથી વધુ હતી. આંકડાઓ અનુસાર, કુલ પૈકીનાં 16 ટકા મૃત્યુ પાછળનું કારણ હૃદય સંબંધિત બિમારી હોય છે.
ફેફસાં અને શ્વાસોચ્છવાસની પ્રક્રિયા પર અસર
શરૂઆતથી જ, કોરોના શ્વસન તંત્ર અને ફેફસાં સાથે સંકળાયેલી બિમારી ગણાય છે, કારણ કે તેનાં લક્ષણો ફ્લ્યુ અને ન્યુમોનિયા જેવાં હોય છે અને એક વખત વ્યક્તિ આ બિમારીથી સંક્રમિત થાય, ત્યારે તેનાં ફેફસાંને તેનાથી ઘણું નુકસાન પહોંચે છે. લોકો મોટાભાગે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાની ફરિયાદ કરે છે અને ઘણા કિસ્સાઓમાં ફેફસાંની ગંભીર બિમારી પણ નોંધાઇ છે. તેના પરિણામરૂપે, લોકોનાં ફેફસાંની શ્વાસ ભરવાની અને કાઢવાની ક્રિયા થંભી જાય છે. આવા સમયે લોકોને બહારથી ઓક્સિજન આપવામાં આવે છે. એટલું જ નહીં, કોરોનાના સંક્રમણમાંથી સાજા થઇ ગયા બાદ પણ લોકોના શ્વસન તંત્ર પર તેની ગંભીર અને લાંબા ગાળાની અસર રહી જાય છે, જે બાબત વધુ ચિંતા જન્માવનારી છે.
પાચન તંત્ર અને પેન્ક્રિઆસ પર તેની અસરો
કોરોના માત્ર ફેફસાં જ નહીં, બલ્કે ઘણા દર્દીઓની ભૂખ પણ ઓછી કરી નાંખે છે. રોગપ્રતિકારક શક્તિ ઘટી જવાથી, પાચન તંત્ર નબળું પડી જવાથી ઇન્ટેસ્ટાઇન અને લિવર પણ કમજોર થઇ જાય છે. તેના પરિણામે, દર્દીને પેટમાં દુખાવો થવો, ઝાડા થવા, સ્વાદ ન આવવો વગેરે જેવી તકલીફોનો સામનો કરવો પડે છે. ડોક્ટરોના મત અનુસાર, વાઇરસને કારણે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક્ટ અને પાચન સંબંધિત તકલીફોથી પીડાતા લોકોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. આ તમામ પરિબળોને કારણે ઘણા દર્દીઓને ભૂખ લાગતી નથી અને તેમને કમજોરીનો અનુભવ થાય છે.
મગજ અને નર્વસ સિસ્ટમ પર અસર
કોરોનાનું એક મુખ્ય લક્ષણ એ છે કે, વ્યક્તિના મગજ અને નર્વસ સિસ્ટમ પર પડતી વાઇરસની અસરને કારણે સ્વાદ અને ગંધની અનુભૂતિ જતી રહે છે. આ ઉપરાંત, દર્દીને નર્વ્ઝમાં સોજો આવી જાય છે અને દુખાવો થાય છે, લોહી ગંઠાઇ જાય છે, માથું સતત દુખતું રહે અથવા તો તીવ્ર દુખાવો થાય, વગેરે લક્ષણો જોવા મળે છે. આ સિવાય, ડોક્ટરોએ નોંધ્યા પ્રમાણે, કોરોનામાંથી સાજા થનારા મોટી સંખ્યાના દર્દીઓના મગજનો જે ભાગ સ્વાદ અને ગંધ પારખવાની આપણી ક્ષમતાને નિયંત્રિત કરે છે, તે ભાગને કાયમ માટે નુકસાન પહોંચે છે.
કિડનીની બિમારીઓમાં વધારો
કોરોનાથી સંક્રમિત થયેલા ઘણાખરા લોકોની કિડનીને પણ નુકસાન પહોંચે છે, જેને કારણે તે દર્દીઓને ડાયાલિસીસ કરાવવાની જરૂર પડે છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, જ્યારે, કોઇપણ ઇન્ફેક્શનને કારણે કિડની પ્રભાવિત થાય અથવા તો જો ડાયાલિસીસ કરાવવું પડે, તો ત્રણથી ચાર દિવસમાં રિકવરી આવવાની શક્યતા રહે છે. પણ કોરોનાના ઇન્ફેક્શનના કેસોમાં, દર્દીઓની કિડનીને ગંભીરપણે નુકસાન થાય છે અને દર્દીની સ્થિતિ તેટલી ઝડપથી સુધરતી નથી. અહીં, ચિંતાજનક સમસ્યા એ છે કે, ડોક્ટરોનું માનવું છે કે, કોરોનાની આડ અસરોને કારણે દર્દીઓએ લાંબા સમય સુધી ડાયાલિસીસ કરાવવું પડી શકે છે અને ભવિષ્યમાં તેમણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવી પડે, તેવી પણ શક્યતા રહે છે.
સમગ્ર વર્ષ દરમિયાન જારી રહેલી માનસિક સમસ્યાઓ
કોરોનાવાઇરસે શરૂઆતથી જ લોકોને ભયભીત કરી દીધા હતા. પછી તે ભય બિમારીનો હોય, આર્થિક અસ્થિરતાનો હોય, બેરોજગારી, ભાવિ અનિશ્ચિતતા, શિક્ષણનો હોય કે મોતનો હોય, વિશ્વના મોટાભાગના લોકોએ આખું વર્ષ તણાવ, હતાશા અને ચિંતા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. ખ્યાતનામ હસ્તીઓથી લઇને સામાન્ય જનતા સુધી આ વર્ષે મોટી સંખ્યામાં લોકોએ આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી લીધાના બનાવો બનતા રહ્યા. તેમાં બાળકો, પુખ્ત વ્યક્તિઓ, વૃદ્ધો અને તમામ વર્ગ અને જાતિનાં લોકોનો સમાવેશ થાય છે. આ આંકડો એટલો ઊંચો હતો કે, તેનાથી ચિંતિત થઇને ઘણી સરકારી અને બિન-સરકારી સંગઠનોએ સાઇકિયાટ્રિસ્ટની જરૂર હોય, તેવા લોકોને ઓનલાઇન મદદ પૂરી પાડવા માટે આગળ આવી. આ ઉપરાંત, નિષ્ણાતો દ્વારા ઓનલાઇન કાઉન્સેલિંગ સેશન્સ હાથ ધરાતાં હતાં. 2020ના વર્ષમાં સાઇકિયાટ્રિસ્ટની મદદ માગનારા લોકોની સંખ્યા ચાર ગણી વધી ગઇ હતી.
આમ, તમામ લોકો માટે આ વર્ષ ભારે કપરું રહ્યું અને પડકારજનક પરિસ્થિતિ લાવનારૂં બની રહ્યું. ઘણાં લોકોએ તેમનાં સ્નેહીઓ, મિત્રો ગુમાવ્યાં, તો ઘણાં લોકોએ તેમની નોકરી તથા ઘર ગુમાવ્યાં. આશા રાખીએ કે, આગામી 2021નું વર્ષ વિશ્વમાં આનંદ અને ખુશીઓ લઇને આવે. જોકે, દરેક વ્યક્તિ રસી ન મૂકાવે, ત્યાં સુધી લોકોએ સાવધ રહેવું જરૂરી છે.