કોલકાતા: પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર જિલ્લામાં સ્થાનિક લોકોએ અધિકારીઓ પર આરોપ લગાવ્યો હતો કે, વહીવટી તંત્રના અધિકારીઓ કોરોના વાઈરસના ચેપગ્રસ્ત વ્યક્તિના મૃત્યુ પછી ગુપ્ત રીતે અંતિમ સંસ્કાર કરી રહ્યા છે. આ દરમિયાન સ્થાનિકો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં 20 પોલીસ જવાન ઘાયલ થયા હતા.
પોલીસે જણાવ્યું કે, આ ઘટના સોમવાર વહેલી સવારની છે. જે સાલકુમારહટ વિસ્તારમાં તીસ્તા નદીના કાંઠે બની હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે, કોવિડ-19ના પોઝિટિવ દર્દીના મૃતદેહને દફનાવવા માટે પોલીસ ટીમ મધરાત બાદ કાદવ ખોદવાની મશીન લઈને આ વિસ્તારમાં આવી ગઈ હતી. જ્યારે સ્થાનિક લોકોને આ યોજનાનો ખ્યાલ આવ્યો, ત્યારે તેઓ રોષે ભરાઈ ગયા હતા. તેઓએ અધિકારીઓનો વિરોધ કર્યો હતો.
સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે કે, પોલીસે આ અથડામણ દરમિયાન ફાયરિંગ કર્યું હતું, જેમાં એક યુવક ઘાયલ થયો હતો. જ્યારે અધિકારીઓએ આ બાબતે જણાવ્યું કે, પોલીસના ત્રણ વાહનો બળી ગયા છે. પોલીસ જવાનો જલપરા જંગલમાં થઈને ભાગવું પડ્યું હતું.
સ્થાનિક લોકોના આક્ષેપોને નકારી કાઢતાં પોલીસ અધિક્ષક અમિતાવ મૈતીએ પત્રકારોને જણાવ્યું હતું કે. આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે. આ ઘટના પાછળ લોકોનો તાગ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
માલદાની મુલાકાતે આવેલા પોલીસ મહાનિર્દેશક વીરેન્દ્રએ જણાવ્યું હતું કે, ટોળાએ કરેલા હુમલામાં 20 પોલીસ જવાન ઘાયલ થયા છે. તેમાંથી એકની હાલત ગંભીર છે.
ઉલ્લેખનીય છે કે, સંપૂર્ણ સુરક્ષા પ્રતિબંધોના ઉલ્લંઘનના આરોપમાં સોમવારે રાત્રે 8 વાગ્યા સુધી કોલકાતામાં 751 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.