શ્રીનગર: સુરક્ષા દળો સાથેની ગોળીબારમાં બે આતંકવાદીઓ ઠાર મરાયા હતા. શુક્રવારે સાંજે દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદી દ્વારા અપહરણ કરાયેલા પોલીસ જવાનને પણ બચાવી લેવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ બંને આતંકીઓએ કુલગામ જિલ્લાના યરીપોરા ખાતે એક પોલીસકર્મીનું અપહરણ કર્યું હતું. આતંકવાદીઓ તેને લઈને જઈ રહ્યા હતા, ત્યારે સુરક્ષા દળોના નાકા પર તેમને અટકાવ્યા હતા. જ્યાં સુરક્ષા જવાન અને આતંકવાદી વચ્ચે ગોળીબાર થયો હતો. જેમાં બંને આતંકવાદીઓને ઠાર કરાયા હતા અને અપહૃત પોલીસને બચાવી લેવામાં આવી હતી.
પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, કુલગામના યરીપોરામાં બે આતંકવાદીઓએ જમ્મુ-કાશ્મીર પોલીસ કર્મચારીનું અપહરણ કર્યું હતું. પોલીસ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી ગોળીબારીમાં બે આતંકવાદીને મારી પોલીસ કર્મચારીને બચાવી લીધો હતો. આ કાર્યવાહીમાં એક પોલીસ જવાન પણ ઇજાગ્રસ્ત થયો હતો.
પોલીસે જણાવ્યું હતું કે, આ બીજું અપહરણ છે. બે દિવસમાં કાશ્મીરમાં ગુરૂવારે શોપિયાના જિલ્લામાંથી એક પોલીસ જવાનનું અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને અપહૃત પોલીસકર્મીને પણ બચાવી લીધો હતો.