- પ્રતાપગઢમાં ભીષણ માર્ગ અકસ્માત
- 14 જાનૈયાના મોત
- CM એ વ્યક્ત કર્યું દુઃખ
પ્રતાપગઢઃ ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં પૂરપાટ ઝડપને કારણે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં 14 જાનૈયાઓના મોત થયા છે. મળતી માહિતી મુજબ લગ્નમાંથી પરત ફરી રહેલી અનિયંત્રિત એક બોલેરો કાર રસ્તાની પટ્ટી પરથી ઉતરી જતાં ટ્રકમાં ઘુસી હતી. મૃતકોમાં અનેક કિશોરોનો પણ સમાવેશ છે.
જાનમાંથી પરત ફરી રહેલી બોલેરો ગાડી અનિયંત્રિત થઇને રસ્તાને કિનારે ઉભેલા ટ્રક સાથે અથડાઇ હતી. મળતી માહિતી મુજબ બોલેરો ડ્રાઇવરને ઝોકું આવી જતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. બધા જ લોકો નવાબગંજ વિસ્તારથી એક જાનમાં સામેલ થઇ પરત ફરી રહ્યા હતા. એસપી અનુરાગ આર્યે 14 લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ ઘટના માનિકપુર વિસ્તારના દેશરજના પુરવામાં થઇ હતી.
આ તમામ જાનૈયા નવાબગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના શેખપુર ગામમાં લગ્ન-સમારોહમાં સામેલ થઇને ઘરે પરત ફરી રહ્યા હતા.
આ ઘટનામાં શિકાર થયેલા 14 લોકોમાંથી છ કિશોર છે અને માસૂમનો પણ સમાવેશ છે.
ઘટના બાદ પરિજનોમાં શોકનો માહોલ
મળતી માહિતી મુજબ 12 જાનૈયા કુંડા કોતવાલીના જિગરાપુર ચૌસા ગામના રહેવાસી છે, જ્યારે બોલેરો ચાલક સહિત બે લોકો કુંડા વિસ્તારના અન્ય ગામના રહેવાસી છે. આ ઘટનાની સૂચના મળ્યા બાદ એસપી સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.