પશ્ચિમ બંગાળનો નારદા સ્ટિંગ ઓપરેશન કેસ
TMC સાંસદ કલ્યાણ બેનર્જીનો આરોપ
રાજ્યપાલ જગદીપ ધનખરના કહેવા પર TMCના નેતાઓની ધરપકડ થઇ છે: કલ્યાણ બેનર્જી
કલકત્તા: પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખર પર TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ ગંભીર આરોપો લગાવતા જણાવ્યું હતું કે નારડા કેસમાં થયેલી ધરપકડમાં તેમનો હાથ છે. CBI દ્વારા આ કેસની તપાસ ચાલી રહી છે.
TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ આરોપ લગાવ્યો હતો કે નારદા સ્ટિંગ ઓપરેશન કેસના સંબંધમાં TMCના મોટા માથા ગણાતા નેતાઓની ધરપકડ રાજ્યપાલ જગદીપ ધનકરના કહેવા પર કરવામાં આવી હતી. આ હાઇપ્રોફાઇલ ડ્રામા વચ્ચે CBIએ 17 મેના રોજ TMCના તમામ 4 નેતાઓની ધરપકડ કરી હતી. આ નેતાઓમાં ફીરહાદ હાકિમ, સુબ્રતો મુખરજી, ધારાસભ્ય મદન મિત્રા અને કલકત્તાના ભૂતપૂર્વ મેયર શોવન ચેટરજીનો પણ સમાવેશ થાય છે. CBIની માગણી માન્ય રાખી રાજ્યપાલે પણ તેમની ધરપકડને મંજૂરી આપી હતી.
રાજ્યપાલ તૃણમૂલ કોંગ્રેસનો ઘેરાવો કરી રહ્યા છે: કલ્યાણ
બેનર્જીએ હુગલી જિલ્લાના પત્રકારોને આ અંગે જણાવતા કહ્યુ હતું કે, "રાજ્યપાલ સવારથી સાંજ સુધી તૃણમૂલ કોંગ્રેસનો ઘેરાવ કરે છે. તેમણે અમારા ચારેય નેતાઓની ધરપકડમાં મહત્વની ભૂમિકા ભજવી છે."
તેમણે વધુમાં જણાવ્યું, "આપણી બંધારણીય જોગવાઈઓ મુજબ રાજ્યપાલ વિરુદ્ધ કોઈ ગુનાહિત કાર્યવાહી કરી શકાય એમ નથી, પરંતુ હું દરેકને વિનંતી કરીશ કે જો રાજ્યપાલ દ્વારા જ ગુનાઓ, હિંસા અને ધાર્મિક વિભાજનને ઉશ્કેરવાની પ્રવૃત્તિઓ થઇ રહેલી જોવા મળે છે તેવા વિસ્તારોમાં પોલીસ ફરિયાદ કરવામાં આવે."
બંગાળ લોહીલુહાણ થયું ત્યારે મમતા બેનરજી ચૂપ રહ્યા
રાજ્યપાલ જગદીપ ધનકરે તાજેતરમાં કૂચ બિહાર અને નંદીગ્રામમાં મતદાન-હિંસા પછી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને મુખ્યપ્રધાન મમતા બેનર્જી પર આરોપ લગાવ્યો હતો કે બંગાળ હિંસાથી લોહીલુહાણ થઇ રહ્યું હતું ત્યારે તેઓ ચૂપ રહ્યા. તેમણે બેનરજીના આક્ષેપો અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે તેઓ આ આરોપોને પગલે સ્તબ્ધ છે પરંતુ, આ અંગેનો નિર્ણય તેઓ બંગાળની પ્રજા અને મીડિયા પર છોડ્યો છે.