નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડ વિશ્વનું સૌથી ધનવાન ક્રિકેટ બોર્ડ છે આ વાત સર્વ વિદિત છે. આ બાબતમાં કોઈ નાવિન્ય નથી, પરંતુ BCCI બાદ આવતા બીજા ક્રમના બોર્ડ વચ્ચે બહુ મોટું અંતર છે તે ચોંકાવનારા સમાચાર છે. BCCI બાદ બીજા ક્રમે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડ આવે છે. BCCI આ બીજા ક્રમના ક્રિકેટ બોર્ડ કરતા 28 ગણું ધનવાન છે તેવો રિપોર્ટ ક્રિકબઝે જાહેર કર્યો છે. ગયા મહિને જ BCCIની કુલ સંપત્તિ 2.25 અરબ અમેરિકન ડોલર(અંદાજિત 18,700 કરોડ રુપિયા) નોંધાઈ છે.
ક્રિકબઝની એક રિપોર્ટ અનુસાર ક્રિકબઝ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા(CA) વિશ્વનું બીજા ક્રમનું ધનવાન ક્રિકેટ બોર્ડ છે. જો કે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ બોર્ડની કુલ સંપત્તિ 79 મિલિયન અમેરિકન ડોલર(660 કરોડ રુપિયા) છે. આ આંકડા પરથી કહી શકાય કે BCCI તેના પછીના આવતા ક્રિકેટ બોર્ડ કરતા 28 ગણું ધનવાન છે. વિશ્વના અનેક દેશોમાં વિવિધ રમતોથી નાગરિકો આકર્ષાતા હોય છે. જ્યારે ભારતમાં ટીવી પર રમતો જોતા દર્શકોમાંથી 90 ટકા દર્શકો માત્ર ક્રિકેટ જોવાનું જ પસંદ કરે છે.
રિપોર્ટમાં આગળ જણાવાયું છે કે ક્રિકેટ દક્ષિણ આફ્રિકા(CSA) બોર્ડ છઠ્ઠા સ્થાને છે. તેની કુલ સંપત્તિ 47 મિલિયન અમેરિકન ડોલર છે. જે BCCIના માત્ર 2.09 ટકા જેટલી થવા જાય છે. રિપોર્ટમાં BCCI સમગ્ર વિશ્વમાં અગ્રણી 10 ક્રિકેટ બોર્ડની કુલ સંપત્તિના 85.88 ટકા હિસ્સા સાથે પ્રથમ છે.
10 ડિસેમ્બરે થયેલ ભારતના દક્ષિણ આફ્રિકાના પ્રવાસને લીધે ક્રિકેટ દક્ષિણ આફ્રિકા બોર્ડને ઘણો ફાયદો થવાની આશા છે. ભારત વિરુદ્ધ 30 દિવસોમાં રમાનાર ક્રિકેટ દરમિયાન દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડને કુલ 68.7 મિલિયન અમેરિકન ડોલર કમાણી થશે. જે પ્રતિ મેચ 8.6 મિલિયન અમરેકન ડોલર અથવા એક દિવસમાં 2.29 મિલિયન અમેરિકન ડોલર જેટલી થવા જાય છે.
રિપોર્ટ અનુસાર છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ નોંધાવેલ ખોટ અનુક્રમે 6.3 મિલિયન અમેરિકન ડોલર, 10.5 મિલિયન અમેરિકન ડોલર અને 11.7 મિલિયન અમેરિકન ડોલર થઈ છે. જે માત્ર આ ડિસેમ્બરની સીરીઝની કમાણીમાંથી જ રીકવર થવાની આશા છે.