- બલબીર ગિરિને બાઘંબરી મઠના નવા મહંત અને મહંત નરેન્દ્રગિરિના ઉત્તરાધિકારી બનાવાયા
- મહંત નરેન્દ્રગિરિએ વસીયતમાં બલબીર ગિરિના નામનો ઉલ્લેખ કર્યો હતો
- 5 ઓક્ટોબરે બલબીર ગિરિને બાઘંબરી ગાદી મઠના આગામી પીઠાધિશ્વરની જવાબદારી સોંપાશે
પ્રયાગરાજઃ અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્રગિરિના મોત પછી તેમના ઉત્તરાધિકારી બલબીરગિરિ બાઘંબરી મઠના નવા મહંત હશે. બલબીર ગિરિ ફક્ત બાઘંબરી મઠના મહંત જ નહીં પ્રયાગરાજમાં સંગમ કિનારે પ્રસિદ્ધ મોટા હનુમાન મંદિરના નવા આચાર્ય પણ હશે. 5 ઓક્ટોબરે અખાડાના કાર્યક્રમમાં બલબીર ગિરિને બાઘંબરી ગાદી મઠના આગામી પીઠાધિશ્વરની જવાબદારી સોંપવામાં આવશે. મહંત નરેન્દ્રગિરિના મોત પછી તેમની છેલ્લી ઈચ્છાનું માન રાખતા અખાડા કમિટિએ આ નિર્ણય કર્યો છે.
નરેન્દ્ર ગિરિએ અંતિમ વસીયતમાં બલબીર ગિરિનો ઉલ્લેખ કર્યો હતો
નિરંજની અખાડાના મહાસચિવ મહંત રવિન્દ્ર પૂરીએ આ નિર્ણય પર કહ્યું હતું કે, મહારાજ જી (નરેન્દ્રગિરિ)એ અંતિમ વસીયતમાં તેમના ઉત્તરાધિકારી તરીકે બલબીર ગિરિનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે સ્યુસાઈડ નોટ અને મોત પહેલા રેકોર્ડ એક વીડિયોમાં એ જ પોતાની છેલ્લી ઈચ્છા ગણાવી હતી. આ માટે તેમની ઈચ્છાઓનું સન્માન કરતા બલબીરગિરિને બાઘંબરી મઠના નવા મહંત બનાવાશે.
મહંત નરેન્દ્ર ગિરિએ અનેક વખત વસીયત બદલી હતી
આપને જણાવી દઈએ કે, મહંત નરેન્દ્રગિરિએ 7 જાન્યુઆરી 2010માં એક વસીયત બનાવતા બલબીર ગિરિને પોતાના ઉત્તરાધિકારી તરીકે ગણાવ્યા હતા. જોકે, 29 ઓગસ્ટ 2011માં તેમણે ફરી વસીયત બદલીને તેમના ઉત્તરાધિકારી તરીકે આનંદ ગિરિનું નામ લખ્યું હતું. ત્યારબાદ ફરી 4 જૂન 2020ના દિવસે મહંત નરેન્દ્ર ગિરિએ વસીયત બદલીને પોતાના ઉત્તરાધિકારી તરીકે બલબીર ગિરિને બતાવ્યા હતા.
આ પણ વાંચો- ભારતને હિન્દુ રાષ્ટ્ર તરીકે જાહેર કરો, નહીંતર હું 2 ઓક્ટોબરે જળ સમાધિ લઈશ: મહંત પરમહંસ દાસ
આ પણ વાંચો- હવે દિલ્હીના તમામ સરકારી સ્કૂલોમાં દેશભક્તિનો અભ્યાસક્રમ ભણાવાશે, CM Kejriwalએ અભ્યાસક્રમનો કરાવ્યો પ્રારંભ