ગુવાહાટીઃ આસામમાં પૂરની સ્થિતિ ગંભીર બની રહી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે આસામના 10 જિલ્લામાં લગભગ 31,000 લોકો પૂરની ઝપેટમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. હાલ તો તંત્ર પણ લોકોની સુરક્ષાને લઇને કામગીરી કરી રહ્યું છે.
રેડ એલર્ટ: ભારતીય હવામાન વિભાગે 'રેડ એલર્ટ' જારી કર્યું છે અને આગામી પાંચ દિવસમાં આસામના કેટલાક જિલ્લાઓમાં 'ખૂબ ભારે'થી 'અત્યંત ભારે' વરસાદની આગાહી કરી છે. ગુવાહાટીમાં IMDના પ્રાદેશિક હવામાન કેન્દ્ર (RMC) એ 'સ્પેશિયલ વેધર બુલેટિન'માં સોમવારથી 24 કલાક માટે 'રેડ એલર્ટ' જારી કર્યું છે. આ પછી આજે અને બુધવાર માટે 'ઓરેન્જ એલર્ટ' અને ગુરુવાર માટે 'યલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે.
હેક્ટર પાક વિસ્તારને નુકસાન: વહીવટીતંત્ર સાત જિલ્લામાં 25 રાહત વિતરણ કેન્દ્રો ચલાવી રહ્યું છે. પરંતુ હજુ સુધી કોઈ રાહત શિબિર ચાલી રહી નથી. ASDMAએ જણાવ્યું હતું કે હાલમાં, 444 ગામો પૂરની ઝપેટમાં છે અને સમગ્ર આસામમાં 4,741.23 હેક્ટર પાક વિસ્તારને નુકસાન થયું છે. ASDMAએ જણાવ્યું હતું કે વિશ્વનાથ, ધુબરી, ડિબ્રુગઢ, ગોલાઘાટ, કામરૂપ, કરીમગંજ, કોકરાઝાર, લખીમપુર, માજુલી, મોરીગાંવ, નાગાંવ, નલબારી, શિવસાગર, સોનિતપુર, દક્ષિણ સલમારા, તામૂલપુર અને ઉદલગુરીમાં મોટા પાયે ધોવાણ જોવા મળ્યું છે. દિમા હસાઓ, કામરૂપ મેટ્રોપોલિટન અને કરીમગંજમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે.
ખતરાના નિશાન: સોનિતપુર, નાગાંવ, નલબારી, બક્સા, ચિરાંગ, દરરંગ, ધેમાજી, ગોલપારા, ગોલાઘાટ, કામરૂપ, કોકરાઝાર, લખીમપુર, ડિબ્રુગઢ, કરીમગંજ અને ઉદલગુરીમાં પૂરના પાણીથી પાળા, રસ્તા, પુલ અને અન્ય માળખાને નુકસાન થયું છે. કચર, દરરંગ, જોરહાટ, કામરૂપ મેટ્રોપોલિટન, કોકરાઝાર અને નલબારી જિલ્લાના ઘણા સ્થળો પૂરના કારણે ડૂબી ગયા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કામપુરમાં બ્રહ્મપુત્રાની ઉપનદી કોપિલી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.
'રેડ એલર્ટ' નો અર્થ છે: તાત્કાલિક પગલાં લો, જ્યારે 'ઓરેન્જ એલર્ટ' નો અર્થ છે - કાર્યવાહી માટે તૈયાર રહો અને 'યલો એલર્ટ' નો અર્થ છે - નજર રાખો અને સુરક્ષિત રહો. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (ASDMA) ના દૈનિક પૂર અહેવાલ મુજબ, ચિરાંગ, દરરંગ, ધેમાજી, ધુબરી, ડિબ્રુગઢ, કોકરાઝાર, લખીમપુર, નલબારી, સોનિતપુર અને ઉદલગુરી જિલ્લામાં પૂરને કારણે 30,700 થી વધુ લોકો પ્રભાવિત થયા છે. લખીમપુર જિલ્લામાં 22,000થી વધુ લોકો પ્રભાવિત થયા હોવાનું કહેવાય છે. આ પછી, ડિબ્રુગઢમાં 3,800 થી વધુ લોકો અને કોકરાઝારમાં લગભગ 1,800 લોકો પ્રભાવિત થયા છે.