નવી દિલ્હીઃ દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે 3 ISIS આતંકવાદીઓની ધરપકડ કરી હતી. આ આતંકવાદીઓની સઘન પુછપરછ ચાલી રહી છે. આ પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. વિવિધ શહેરોમાં બોમ્બ બ્લાસ્ટ માટે વિવિધ સ્થળો અને વીવીઆઈપીના રૂટ પર રેકી કરી હતી.
દિલ્હી પોલીસે સઘન તપાસ હાથ ધરીઃ ISIS આતંકવાદીઓની ગતિવિધિઓ પાછળ વિદેશી તાકાતોનો હાથ હોવાનું સામે આવ્યું છે. આતંકવાદી શાહનવાઝ અને તેમના સાથીદારો ઘણા શહેરોમાં આતંકવાદી હુમલો કરવાની ફિરાકમાં હતા. જેમાં દિલ્હી સિવાય દેહરાદૂન, અલીગઢ, મુરાદાબાદ, લખનઉ અને પ્રયાગરાજનો સમાવેશ થાય છે. દિલ્હી પોલીસે આ દરેક શહેરમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
6 જેટલી મોટી લૂંટઃ શાહનવાજ આલમે આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ફંડ મેળવવા માટે 6 જેટલી લૂંટ કરી હતી. ભાગેડું આતંકવાદી ફરહતુલ્લા ગૌરી અને તેનો જમાઈ શાહિદ ફૈઝલ બંને ગુજરાતના અક્ષરધામ હુમલા પાછળના માસ્ટરમાઈન્ડ હોવાની શક્યતાઓ છે. આતંકવાદી હુમલા માટે અત્યારે આ સંગઠન ફંડિંગ એક્ઠું કરી રહ્યું છે.
8 મહિના જેલવાસ ભોગવ્યોઃ પોલીસ અનુસાર શાહનવાજ આલમ નવેમ્બર 2016માં SSCની તૈયારી માટે દિલ્હી આવ્યો હતો. અહીં તે ISIS વિચારધારાથી પ્રભાવિત થયો હતો. તે સોશિયલ મીડિયા પર ISIS તરફી પોસ્ટ કરતો હતો. આ જ વર્ષે શાહનવાજ આલમની મુલાકાત શાહિન મસ્જિદમાં રિઝવાન અલી સાથે થઈ હતી. શાહનવાજે 2019માં હજારીબાગમાં અનેક લૂંટ કરી હતી. જે સંદર્ભે તે 8 મહિના જેલમાં પણ રહ્યો હતો. 2020ના ડિસેમ્બર મહિનામાં તે જેલમાંથી બહાર આવ્યો અને ISISના વિદેશી હેન્ડલર સાથે સંપર્કમાં આવ્યો હતો.
વીવીઆઈપીના રૂટની રેકીઃ શાહનવાજે ભીડભાડવાળા વિસ્તારોની રેકી કરી હતી. તેમજ મુંબઈ, સુરત, વડોદરા, ગાંધીનગર અને અમદાવાદમાં વીઆઈપી, વીવીઆઈપી અને દિગ્ગજ નેતાઓના રૂટની રેકી કરી હતી. તે IED પ્લાન્ટ કરીને ટારગેટ કિલિંગ કરવાના ફિરાકમાં પણ હતો. તેણે પશ્ચિમ રાજસ્થાનના નકશાનો પણ અભ્યાસ કર્યો હતો. જેથી તે સ્થળો પર IED ટેસ્ટિંગ પોઈન્ટ બનાવી શકે.