નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મંગળવારે હાઈ કોર્ટના જજની નિમણુંકમાં વિલંબ થવા મુદ્દે સરકારની જાટકણી કાઢી હતી. સુપ્રીમ કોર્ટે એટોર્ની જનરલને વેધક સવાલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પુછ્યુ કે છેલ્લા કેટલાક મહિનાથી કોઈ કાર્યવાહી કેમ થઈ નથી? છેલ્લી સુનાવણીમાં જે હુકમ કરવામાં આવ્યો હતો તેનું પણ પાલન કેમ થયું નથી? હાઈ કોર્ટના જજની નિમણુંકનો મામલો બહુ સંવેદનશીલ ગણાય.
સરકારને વેધક સવાલઃ ન્યાયાધીશ સંજય કિશન કૌલ અને સુધાંશુ ધુલિયાની બેન્ચે મંગળવારે સરકારને વેધક સવાલ કર્યા છે. છેલ્લા 10 મહિનાથી હાઈ કોર્ટમાં 70 ન્યાયાધીશોની નિમણુંકમાં વિલંબ થઈ રહ્યો છે. હાઈ કોર્ટમાં 70 ન્યાયાધીશોની નિમણુંક જ નથી થવા પામી જે અત્યંત સંવેદનશીલ મુદ્દો ગણાય. સરકારે 4 મહિનામાં આ મુદ્દે જવાબ આપવાનો હતો, સરકારને જોઈએ તો 5 મહિનાનો સમય લે પણ કંઈક કાર્યવાહી તો કરે.
પ્રશાંત ભૂષણની દલીલઃ ન્યાયાધીશ કૌલે એજીને કહ્યું કે હું આ બાબત પર નિશાન મુકુ છું જેથી આપને ધ્યાન રહે કે એપ્રિલના અંત સુધી સુપ્રીમ કોર્ટમાં નિમણુંક પામનાર ન્યાયાધીશની યાદી પહોંચવી જરૂરી છે. કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા એટોર્ની જનરલ આર. વેંકટરામાણીએ કહ્યું કે તેઓ અઠવાડિયાથી વધુના સમય બાદ અદાલતમાં ફરીથી હાજરી આપશે. સેન્ટર ફોર પબ્લિક ઈન્ટરેસ્ટ લિટિગેશનું પ્રતિનિધિત્વ કરતા વકીલ પ્રશાંત ભૂષણે જણાવ્યું કે તેઓ ત્રણ શ્રેણીમાં એક વ્યાપક યાદી રજૂ કરી શકે છે. ભૂષણની દલીલ પર એજીએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે સરકાર પાસે પણ બધી જ માહિતી છે.
દર દસ દિવસે સુનાવણીઃ ન્યાયાધીશ કૌલે 26 જજોની ટ્રાન્સફરમાં વિલંબ થવાને સંવેદનશીલ મુદ્દો ગણાવ્યો હતો. જુલાઈમાં સીજેઆઈની અધ્યક્ષતાવાળી બેન્ચે મણિપુર હાઈ કોર્ટના જજ તરીકે દિલ્હી હાઈ કોર્ટના જજ સિદ્ધાર્થ મૃદુલની ભલામણ કરી હતી. જે મુદ્દે સરકારે કોઈ કાર્યવાહી જ કરી નથી. ન્યાયાધીશ કૌલ ઘણું કહેવા માંગતા હતા પરંતુ એજીએ માત્ર સાત દિવસનો સમય માંગતા કૌલે કંઈ કહેવાનું ટાળ્યું હતું. આ મુદ્દે સુપ્રીમમાં દર દસ દિવસે સુનાવણી હાથ ધરાશે. સરકારે વિવિધ કોર્ટમાં ઉપલબ્ધ એવી સર્વોત્તમ પ્રતિભાઓને મેળવવાનો પ્રયાસ કરવો જોઈએ.