મહારાષ્ટ્ર : સનાતન ધર્મ પર ટિપ્પણી કરવા બદલ તમિલનાડુના પ્રધાન અને દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) નેતા ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ મુંબઈના મીરા રોડ પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. આ એફઆઈઆર વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવા અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાની કલમો હેઠળ નોંધવામાં આવી છે. જે IPCની કલમ 153A અને 295A તરીકે છે. ઉલ્લેખનિય છે કે, ઉદયનિધિ સ્ટાલિને પોતાની વિવાદિત ટિપ્પણીમાં સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી બીમારીઓ સાથે કરી હતી અને તેને નાબૂદ કરવાની હાકલ કરી હતી.
FIR નોંધાઈ : ગત સપ્તાહમાં ઉત્તર પ્રદેશના રામપુરમાં DMK નેતા વિરુદ્ધ ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા બદલ એક એફઆઈઆર નોંધવામાં આવી હતી. ઉદયનિધિની ટિપ્પણીને સમર્થન આપવા બદલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયાંક ખડગેના નામનો ઉલ્લેખ પણ એફઆઈઆરમાં કરવામાં આવ્યો છે. બંને વિરુદ્ધ કલમ 295A અને 153A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બિહારની મુઝફ્ફરપુર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ઉદયનિધિ વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
વિવાદિત નિવેદન : તમિલનાડુમાં ભાજપના નેતાઓના એક પ્રતિનિધિમંડળે મંગળવારે રાજ્ય પોલીસને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. જેમાં શાસક પક્ષના નેતા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગણી કરવામાં આવી હતી. નોંધનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં તમિલનાડુના મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ સનાતન ધર્મને નાબૂદ કરવાની હાકલ કરતા સનાતન ધર્મની તુલના મેલેરિયા અને ડેન્ગ્યુ સાથે કરી હતી. તેમના નિવેદનથી વિવાદ ઊભો થયો હતો. ઉદયનિધિએ દલીલ કરી હતી કે, તેઓનું નિવેદન સનાતનની ધર્મ જાતિ વ્યવસ્થા અને ભેદભાવ પર આધારિત છે.
ઉદયનિધિનો જવાબ : ઉદયનિધિએ નિવેદનમાં કહ્યું હતું કે, સનાતનનો વિરોધ કરવાને બદલે તેને ખતમ કરી દેવો જોઈએ. સનાતન નામ સંસ્કૃતમાંથી આવ્યું છે. આ સામાજિક ન્યાય અને સમાનતા વિરુદ્ધ છે. રાષ્ટ્રીય સ્તરે મોટો રાજકીય વિવાદ ઊભો થયો હોવા છતાં ઉદયનિધિએ કહ્યું કે, તેઓ તેમના નિવેદન પર અડગ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમના નિવેદનને નરસંહારના આહવાન તરીકે ખોટી રીતે દર્શાવવામાં આવ્યું હતું.