જમ્મુ : બે દિવસના જમ્મુ-કાશ્મીર પ્રવાસે પહોંચેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પટનામાં ચાલી રહેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકને લઈને મોટું નિવેદન આપ્યું છે. અમિત શાહે કહ્યું કે, આજે પટનામાં ફોટો સેશન ચાલી રહ્યું છે. તમામ વિપક્ષી નેતાઓ એક મંચ પર આવીને સંદેશ આપવા માંગે છે કે, અમે ભાજપ અને મોદીને પડકાર આપીશું.
હું વિપક્ષના નેતાઓને કહેવા માંગુ છું કે, તમે ગમે તેટલા હાથ મિલાવો પરંતુ તમે સાથે નહીં આવી શકો. કદાચ જો તમે વિપક્ષની એકતા લાવશો તો પણ 2024માં નરેન્દ્ર મોદી 300થી વધુ સીટો સાથે સતામાં આવશે તે નિશ્ચિત છે.-- અમિત શાહ (કેન્દ્રીય ગૃહપ્રધાન)
શ્યામપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પી : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજથી બે દિવસની જમ્મુ-કાશ્મીર મુલાકાતે છે. અમિત શાહે ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિચારક અને ભારતીય જનસંઘના સ્થાપક શ્યામપ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી હતી. આ સાથે તેઓએ બે દિવસીય જમ્મુ-કાશ્મીર પ્રવાસની શરૂઆત કરી હતી. શહેરમાં પહોંચ્યા પછી તરત જ અમિત શાહ ત્રિકુટા નગરમાં BJP હેડક્વાર્ટર ગયા હતા. જ્યાં તેઓએ કેન્દ્રીય પ્રધાન જિતેન્દ્ર સિંહ અને BJP જમ્મુ-કાશ્મીર યુનિટના વડા રવિન્દ્ર રૈના સાથે શ્યામપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
મોદી સરકારની સિદ્ધિઓ : અમિત શાહની મુલાકાતને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીરમાં વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ પ્રવાસ દરમિયાન અમિત શાહે ભગવતી નગર વિસ્તારમાં એક જાહેર રેલીને પણ સંબોધિત કરી હતી. જેમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારની સિદ્ધિઓને રેખાંકિત કરી હતી. આ અવસર પર શાહે કહ્યું કે, શ્યામાપ્રસાદ મુખર્જી જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર અનુચ્છેદ 370 ના કટ્ટર વિરોધી હતા. આ અનુચ્છેદ હવે રદ કરવામાં આવ્યો છે.
જાહેર સભા સંબોધી : અમિત શાહે વધુમાં જણાવ્યુ હતુ કે, જમ્મુ અને કાશ્મીરમાં શ્યામપ્રસાદ મુખર્જીની ધરપકડના થોડા સમય બાદ 23 જૂન, 1953ના રોજ રહસ્યમય સંજોગોમાં તેમનું અવસાન થયું હતું. તેમણે 'એક દેશમાં બે કાયદા, બે માથા અને બે નિશાન નહીં ચાલે' એવું સૂત્ર આપ્યું હતું. સત્યાગ્રહ કરતી વખતે તે જમ્મુ-કાશ્મીર પહોંચ્યા જ્યાં તેમની દગાથી ધરપકડ કરવામાં આવી હતી. આપણે બધા જાણીએ છીએ કે તેઓની હત્યા કરવામાં આવી હતી. હવે તેમના આત્માને શાંતિ મળી હશે. કારણ કે, 5 ઓગસ્ટ 2019 ના રોજ નરેન્દ્ર મોદીએ અનુચ્છેદ 370 નાબૂદ કરી દીધો હતો.
બલિદાન સ્તંભનો શિલાન્યાસ : જાહેર રેલી પછી અમિત શાહ ડિજિટલ માધ્યમથી શાહ સાંબામાં સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીનો શિલાન્યાસ કરશે. ઉપરાંત શહેરમાં અનેક વિકાસ યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરશે. ત્યારબાદ અમિત શાહ શ્રીનગર જવા રવાના થશે. જ્યાં તેઓ રાજભવન ખાતે વિવિધ વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ માટે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શહેરમાં આયોજિત વિતસ્તા ઉત્સવમાં ગૃહપ્રધાન ઉપસ્થિત રહેશે. તેઓ શનિવારે દિલ્હી પરત ફરતા પહેલા શ્રીનગરમાં 'બલિદાન સ્તંભ'નો શિલાન્યાસ કરશે.