ગાઝિયાબાદ : ઓનલાઈન ગેમિંગ એપ દ્વારા બાળકોને ધર્માંતરણ કરાવનાર આરોપી શાહનવાઝ ઉર્ફે બદ્દો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ગાઝિયાબાદની CJM કોર્ટમાં પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી 1000 પાનાની ચાર્જશીટમાં બદ્દો અને તેના સહયોગીની સંપૂર્ણ માહિતી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ચાર્જશીટમાં બદ્દો પાસે એક સંપૂર્ણ ગેંગ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે અન્ય ધર્મોના નામે નકલી સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવીને બાળકોને ફસાવતો હતો. આમાં તેના પાકિસ્તાન કનેક્શનનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ઓનલાઈન ષડયંત્ર : આ આખું ષડયંત્ર એપના માધ્યમથી કરવામાં આવી રહ્યું હતું. અન્ય સમુદાયના આરોપીઓ પીડિતાને તેના ધર્મના હોવાનો ઢોંગ કરીને નિશાન બનાવતા હતા. ત્યારબાદ તેઓને અન્ય ધર્મની ધાર્મિક વિધિઓનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા. આ માટે બાળકોને બ્લેકમેલ કરવાનું કામ પણ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટમાં ઉલ્લેખ મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે આરોપીઓના કનેક્શન અલગ-અલગ રાજ્યોમાં જોડાયેલા છે.
સ્થાનિક સહયોગ : આ કામ સ્થાનિક વ્યક્તિના સહયોગથી કરવામાં આવ્યું હતું. આ મામલામાં પોલીસે સંજયનગર સેક્ટર 23 ના ખાસ સમુદાયના ધાર્મિક સ્થળે કામ કરતા એક વ્યક્તિની પણ ધરપકડ કરી હતી. તેણે ગાઝિયાબાદના બાળકને જીમના બહાને બીજા ધર્મના રિવાજો અપનાવવા માટે બોલાવ્યો હતો.
બદ્દો પર જે કલમ નોંધાયેલી છે. તેમાં મુખ્યત્વે ધર્માંતરણની કલમો છે. જેમાં તેને ઓછામાં ઓછી 1 વર્ષથી વધુમાં વધુ 10 વર્ષની સજા થઈ શકે છે. આ સિવાય કોર્ટ તેના પર રુ. 15000 થી 50000 નો દંડ પણ લગાવી શકે છે. આ માટે પોલીસે કોર્ટમાં ચાર્જશીટમાં દાખલ કરાયેલી હકીકત સાબિત કરવી પડશે.-- નરેશ યાદવ (એડવોકેટ, ગાઝિયાબાદ કોર્ટ)
સજા અંગે વકીલનો અભિપ્રાય : એડવોકેટે જણાવ્યું હતું કે, પોલીસ પાસે જે સબળ પુરાવા છે તેના આધારે સજા કરવામાં આવશે. બીજી તરફ રાસુકાના કાયદા હેઠળ કોઈપણ આરોપીને વધુમાં વધુ એક વર્ષ સુધી જેલમાં રાખી શકાય છે. જો આરોપ સાબિત કરવામાં આવે તો એક વર્ષ પહેલા આરોપીના જામીન મંજૂર થઈ શકે નહીં. જોકે, આ માટે દર ત્રણ મહિને કોર્ટ પ્રક્રિયા ચાલે છે.
શું હતો બનાવ ? ગાઝિયાબાદના કવિનગર વિસ્તારમાં ધર્મ પરિવર્તનનો મામલો સામે આવ્યો છે. પોલીસ તપાસમાં આ ઘટનાના કનેક્શન મહારાષ્ટ્ર સુધી જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. 30 મેના રોજ કવિનગર વિસ્તારમાં રહેતા જૈન પરિવારે પોલીસને જાણ કરી હતી કે, તેમનો પુત્ર વિચિત્ર વર્તન કરી રહ્યો છે. તે ચોક્કસ સમુદાયના ધાર્મિક સ્થળે જાય છે અને ત્યાં લાંબો સમય રોકાય છે. આ સિવાય એવું પણ કહેવામાં આવ્યું હતું કે, તેઓના પુત્રને મૌલાનાએ પોતાની જાળમાં ફસાયો ગયો છે. આ ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધ્યો હતો.
ઘટનાક્રમ :
- 4 જૂન, 2023 : મૌલાના અબ્દુલ રહેમાનની ધરપકડ કરવામાં આવી. અબ્દુલ રહેમાને ગુનો સ્વિકાર્યો હતો. પોલીસને મહારાષ્ટ્રમાં બદ્દોનું લોકેશન મળ્યું હતું.
- 7 જૂન, 2023 : નેશનલ કમિશન ફોર ચાઈલ્ડ રાઈટ્સ એન્ડ પ્રોટેક્શને માહિતી મંત્રાલયને પત્ર લખીને ઓનલાઈન ગેમિંગ એપ્લિકેશનની તપાસ કરવા જણાવ્યું હતું.
- 10 જૂન, 2023 : અબ્દુલ રહેમાનની પૂછપરછ દરમિયાન પોલીસને ખબર પડી કે, આરોપી મહારાષ્ટ્રમાં છુપાયેલો છે. પોલીસની ટીમ મહારાષ્ટ્રના વિવિધ ભાગમાં દરોડા પાડી બદ્દો નજીક પહોંચી હતી.
- 11 જૂન, 2023 : મહારાષ્ટ્રના અલીબાગમાંથી બદ્દો ઝડપાયો.
- 12 જૂન, 2023 : બદ્દોને મહારાષ્ટ્ર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી ગાઝિયાબાદ પોલીસે તેના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા.
- 13 જૂન, 2023 : બદ્દોની લગભગ 7 કલાકની પૂછપરછ દરમિયાન તેણે તેનું પાકિસ્તાન કનેક્શન પણ સ્વીકાર્યું હતું.
- 13 જૂન, 2023 : ગાઝિયાબાદ પોલીસ દ્વારા બદ્દોને ગાઝિયાબાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. બદ્દોને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.