લખનૌ: અલ્હાબાદ હાઈકોર્ટે (Allahabad High Court) કોવિડ -19 ના ત્રીજી લહેરના વધતા ભયને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને ભારતના ચૂંટણી પંચને ચૂંટણી રેલીઓ સ્થગિત (UP elections should be postponed) કરવા અને ચૂંટણીઓ મુલતવી રાખવા અંગે વિચારણા કરવા વિનંતી કરી છે.
જસ્ટિસ શેખર કુમાર યાદવે જણાવ્યું
જસ્ટિસ શેખર કુમાર યાદવે એક કેસમાં અરજદારની જામીન અરજીને મંજૂરી આપતાં જણાવ્યું હતું કે, કોરોના વાયરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના દર્દીઓની સંખ્યા વધી રહી છે અને ત્રીજી લહેર આવવાની સંભાવના છે. આ ભયાનક રોગચાળાને જોતા ચીન, નેધરલેન્ડ, જર્મની જેવા દેશોએ સંપૂર્ણ અથવા આંશિક લોકડાઉન લાદી દીધું છે.
બીજી લહેરમાં લાખો લોકો સંક્રમિત થયા અને મૃત્યુ પામ્યા
અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કેે, બીજી લહેરમાં અમે જોયું કે લાખો લોકો સંક્રમિત થયા અને મૃત્યુ પામ્યા. ગ્રામ પંચાયત અને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને કારણે મોટી સંખ્યામાં લોકો સંક્રમિત થયા અને મૃત્યુ પામ્યા છે.
ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક
અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે , હવે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી નજીક છે જેના માટે તમામ પક્ષો રેલીઓ, સભાઓ વગેરે યોજીને લાખો લોકોને એકત્ર કરી રહ્યા છે, જ્યાં કોવિડ પ્રોટોકોલનું કોઈપણ રીતે પાલન કરવું શક્ય નથી. જો તેને સમયસર રોકવામાં નહીં આવે તો તેના પરિણામો બીજી લહેર કરતાં વધુ ભયાનક હશે.
અદાલતે ચૂંટણી કમિશનરને વિનંતી કરી
અદાલતે ચૂંટણી કમિશનરને વિનંતી કરી કે તેઓ આવી રેલીઓ, મેળાવડાને તાત્કાલિક બંધ કરે અને રાજકીય પક્ષોને ચેનલો અને અખબારો દ્વારા પ્રચાર કરવાનો આદેશ આપે.
અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે, ચૂંટણીને સ્થગિત કરી દેવી જોઈએ
અલ્હાબાદ હાઈકોર્ટે જણાવ્યું હતું કે, જો શક્ય હોય તો ફેબ્રુઆરીમાં યોજાનારી ચૂંટણીને એક-બે મહિના માટે સ્થગિત કરી દેવી જોઈએ કારણ કે, જો જીવન હશે તો ચૂંટણી રેલીઓ, સભાઓ ચાલુ રહેશે અને જીવન જીવવાનો અધિકાર ભારતીય બંધારણના અનુચ્છેદ 21માં આપણને મૂળભૂત રીતે આપવામાં આવ્યો છે.
ચૂંટણીને મુલતવી રાખવા વિચાર કરે કારણ કે, 'જાન હૈ તો જહાં હૈ'
અલ્હાબાદ હાઈકોર્ટે કોવિડ રસીકરણ અભિયાન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતી વખતે તેમને ભયાનક કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કડક પગલાં લેવા અને રેલીઓ, મેળાવડા રોકવા અને ચૂંટણીને મુલતવી રાખવા વિચાર કરે કારણ કે, 'જાન હૈ તો જહાં હૈ'
આ પણ વાંચો: યુપી ચૂંટણી 2022: યુપીમાં કોંગ્રેસ 40 ટકા મહિલાઓને ટિકિટ આપશે, પ્રિયંકા ગાંધી વાડ્રાએ કરી જાહેરાત
આ પણ વાંચો: Mission 2022: પ્રિયંકા ગાંધી UPમાં 10થી વધુ મેગા રેલી સંબોધશે