અલીગઢઃ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ ભારત હારી ગયું છે. ઓસ્ટ્રેલિયા સતત છઠ્ઠીવાર ચેમ્પ્યિન બન્યું છે. ભારતીય ક્રિકેટ પ્રેમીઓએ ક્રિકેટ ટીમના ખેલાડીઓની સાથે આ કડવો ઘુંટડો પીવો પડ્યો છે. ફેન્સ છેલ્લા એક મહિનાથી આ મેચનો ઈન્તેજાર અને માણવા માટેની તૈયારીઓ કરી રહ્યા હતા. કેટલાક ફેન્સ આ હારને પરિણામે રીતસરના રડવા લાગ્યા હતા. કેટલાક કટ્ટર ક્રિકેટ પ્રેમીઓ આ હાર સહન ન કરી શકવાને પરિણામે ટીમ ઈન્ડિયા પ્રત્યે નારાજગી વ્યકત કરી છે. જેમાં અલીગઢના ક્રિકેટ પ્રેમીઓનો પણ સમાવેશ થાય છે.
ટીવી ફોડી ગુસ્સો જાહેર કર્યોઃ અલીગઢના રઘુવીરપુરી વિસ્તારમાં રહેતા પ્રદીપ જણાવે છે કે અમને ખૂબ જ આશા હતી કે ટીમ ઈન્ડિયા આ ફાઈનલ જીતી જશે. જો કે આ ફાઈનલ હારી જવાને પરિણામે દેશના 140 કરોડ દેશવાસીઓની ભાવનાને ઠેસ પહોંચાડી છે. બધાને બહુ દુઃખ થયું છે. બીજા સ્થાનિક વિનોદ પાંડેય જણાવે છે કે ભારતના પ્લેયર્સ ખૂબ મહેનતુ અને મજબૂત છે, પણ આ ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો. અન્ય ફેન સચિન જણાવે છે કે ભારત ઓસ્ટ્રેલિયાની મેચ માટે અમે બહુ રોમાંચિત હતા પણ કમનસીબે ભારત મેચ જીતી ના શક્યું. ભારતની ટીમે 10 મેચો જીતી હતી. અમને આશા હતી કે 11મી મેચ ફાઈનલ જીતશે પરંતુ આ મેચ ભારત જીતી ના શકી. ટીમ ઈન્ડિયાની હારથી અમને ખૂબ નિરાશા થઈ. અમે આ નિરાશાને વ્યક્ત કરવા ટીવી ફોડ્યું છે. ટીમ ઈન્ડિયાની હારથી અમને નહી પણ સમગ્ર દેશને નિરાશા થઈ છે.