- હાલમાં ચાલી રહેલો કોરોનાની બીજી લહેરમાં દેશમાં હાલાકી
- કોરોના અંગેની ગેરમાહિતી અને નુસખાઓ વધારે ઘાતકી
- AIG દ્વારા કોરોનાને લગતી માહિતીની માર્ગદર્શિકા તૈયાર કરાઈ
હૈદરાબાદ: કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં હાહાકાર મચાવ્યો છે અને રોજના કેસની સંખ્યા લાખોમાં પહોંચી ગઈ છે. રોજ 4000 જેટલા મોત પણ નોંધાવા લાગ્યા છે. આ મહામારી કરતા પણ તેના વિશેની માહિતીનો અભાવ, સોશ્યિલ મીડિયામાં તેના માટે ફેલાવામાં આવતા જાતભાતના તુક્કાઓ અને નુસખાઓ વધારે નુક્સાનકારક છે. કોરોનાના લક્ષણો, નિદાન અને સારવાર ત્રણેય વિશે ફેલાવાતી ગેરમાહિતીને કારણે જનતામાં ઉલટાની ચિંતા વધે છે.
AIGના ડાયરેક્ટર અને ચેરમેને તૈયાર કરી માર્ગદર્શિકા
જેના કારણે સામાન્ય લક્ષણો જણાતા હોય તો પણ લોકો હોસ્પિટલો સુધી દોડવા લાગે છે. બીજી બાજુ ડૉક્ટરની સલાહ વિના જ લોકો બિનજરૂરી CT સ્કેન કરાવવા લાગ્યા છે. આવી સ્થિતિ વચ્ચે હૈદરાબાદની એશિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ગેસ્ટ્રોએન્ટ્રોલૉજી (AIG) એ કોરોના અંગેની જાગૃતિ માટે કોવીડ-19 માર્ગદર્શિકા તૈયાર કરી છે. આ માર્ગદર્શિકા કોવીડ-19 ની વિવિધ બાબતોને આવરી લઈને તૈયાર કરવામાં આવી છે. AIGના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. નાગેશ્વર રેડ્ડી અને AIGના ડાયરેક્ટર ડૉ. જી.વી. રાવે આ માર્ગદર્શિકા તૈયાર કરી છે.
ગેરમાહિતીથી ભય અને શંકા ઉભા થાય છે
કોરોના વિશેની ગેરમાહિતીને કારણે ભય અને શંકાઓ ઉભા થાય છે. ભય અને ગભરામણને કારણે ઉલટાનું નુકસાન થાય છે અને રોગ પ્રતિકારકશક્તિ ઘટે છે. અત્યાર સુધીમાં AIG ખાતે 20,000થી વધુ દર્દીઓ સાજા થયા છે. તેમના અનુભવોને ધ્યાનમાં રાખીને આ માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. જેથી લોકો કોરોનાની સારવાર કેવી રીતે થઈ શકે તેને સમજી શકે. આ માર્ગદર્શિકાનો બધી જ ભાષાઓમાં અનુવાદ કરીને જાહેર કરવામાં આવશે. આ પ્રકારના રોગને પહોંચી વળવા માટે ભવિષ્યમાં વધારે સારી તૈયારીઓ કરવી પડશે.
સરકારી અને ખાનગી હોસ્પિટલોને સાથે રાખીને કામ થવું જોઈએ
હકીકતમાં મહામારી વખતે સરકારી અને ખાનગી હોસ્પિટલોને એક સાથે જોડીને કામ થવું જોઈએ. આવા સંકલનથી જ દરેક જગ્યાએ કઈ રીતે સૌથી સારી સારવાર થઈ રહી છે અને શું કાળજી લેવી જોઈએ? તેની માહિતીની આપ-લે થશે. સૌને તેનો લાભ મળશે. દિલ્હી અને બેંગાલુરુમાં આ માટે થોડાઘણા પ્રયાસો પણ થયા છે.