- જમ્મુ-કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી
- મતદાન માટે લોકો કલાકો સુધી લાંબી લાઈન લાગી
- સવારે 11 વાગ્યા સુધી 22.12 ટકા મતદાન
શ્રીનગરઃ જિલ્લા વિકાસ પરિષદની ચૂંટણી માટે પહેલા તબક્કા માટે મતદાન કરવા મતદાતાઓની ભીડ જોવા મળી હતી. મતદાન માટે લોકો કલાકો સુધી લાંબી લાઈનમાં ઊભા હતા. આંકડાઓ અનુસાર, પહેલગામ બ્લોકમાં કુલ 24,756 મતદાતા છે. પહેલગામ બ્લોકમાં વિભિન્ન સ્થળ પર 19 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ચૂંટણીના શાંતિપૂર્ણ આયોજન માટે મતદાન કેન્દ્રની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવી દેવામાં આવી છે. જોકે, જમ્મુ-કાશ્મીર ડીડીસી ચૂંટણીમાં સવારે 11 વાગ્યા સુધી 22.12 ટકા મતદાતાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સવારે 11 વાગ્યા સુધી જો મતદાનની વાત કરવામાં આવે તો શ્રીનગરમાં 10.64 ટકા, જમ્મુમાં 29.16 ટકા, અનંતનાગમાં 23.46 ટકા, બારામૂલામાં 12.19 ટકા, કુલગામમાં 14.91 ટકા, શોંપિયામાં 29.34 ટકા, પુલવામામાં 3.51 ટકા, બાંદિપોરામાં 17.87 ટકા અને ગાંદરબલમાં 23.14 ટકા મતદાન થયું હતું. જ્યારે બડગામમાં 28.47 ટકા, કુપવાડામાં 13.49 ટકા, ઉધમપુરમાં 22.43 ટકા, સાંબામાં 36.40 ટકા, રિયાસમાં 30.34 ટકા, રાજૌરીમાં 33.17 ટકા, પૂંછમાં 33.13 ટકા, ડોડામાં 25.18 ટકા, કઠુઆમાં 24.26 ટકા, રામબન 33.39 ટકા, કિશ્તવાડમાં 14.43 ટકા મતદાન નોંધવામાં આવ્યું છે.
ભાજપને રોકવા માટે અમે વોટ આપ્યોઃ તારિક અહેમદ
સ્થાનિક લોકોએ ઈટીવી ઈન્ડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, અમે માત્ર વિકાસ માટે મત આપ્યો છે. જ્યારે તારિક અહેમદે આ અંગે જણાવ્યું કે, અમને વોટ એટલે આપ્યો છે કે જેનાથી અમે ભાજપને રોકી શકીએ. જમ્મુ-કાશ્મીરમાં કલમ- 370 હટ્યા બાદ પહેલીવાર ડીડીસી માટે ચૂંટણી થઈ રહી છે. જોકે સવારથી જ મતદાન કેન્દ્ર પર મતદાન કરવા મોટી સંખ્યામાં મતદાતાઓ પહોંચી ગયા હતા. અખનૂરથી ભાજપના ઉમેદવાર શારદા ભાઉએ કહ્યું, ચૂંટણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભાર આપું છું. તેમણે કહ્યું, પ્રજાનો અધિકાર તેમને આપવામાં આવ્યો છે. જે પણ અડચણો આવશે તેમનું નિવારણ લાવવામાં આવશે.
શોંપિયામાં ઈન્ટરનેટ સેવા બંધ કરવા અંગે અધિકારીઓએ જવાબ ન આપ્યો
આ સમગ્ર મતદાન પ્રક્રિયા દરમિયન દક્ષિણ કાશ્મીરના શોંપિયા જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી હતી. જોકે અધિકારીઓએ ઈન્ટરનેટ સેવા બંધ થવાનું કોઈ કારણ બતાવ્યું નહતું. ચૂંટણીને ધ્યાનમાં રાખી શોંપિયા અને પુલવામાને સંવેદનશીલ ઘોષિત કરી દેવાયા હતા. આ ચૂંટણીમાં કુલ 1427 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે 7 લાખ મતદાતા મતદાન કરશે. રાજ્ય ચૂંટણી કમિશનર કે. કે. શર્માએ જણાવ્યું કે, પહેલા તબક્કામાં મતદાન માટે 2146 મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. કોવિડ-19ને ધ્યાનમાં રાખી કોરોના માર્ગદર્શિકાનું સંપૂર્ણરીતે પાલન કરવામાં આવ્યું છે.