નવી દિલ્હી: AAPના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને શુક્રવારે અધ્યક્ષ જગદીપ ધનખર દ્વારા અયોગ્ય વર્તન બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે રાઘવે એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેના આધારે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે મામલો પ્રિવિલેજ કમિટી પાસે હોય ત્યારે મીડિયામાં પોતાનો બચાવ કરવો એ નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે.
કોણે લગાવ્યો 'ગેરવર્તણૂક'નો આરોપ: રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખરે વિશેષાધિકાર સમિતિને AAP સાંસદના કેસનો ઉલ્લેખ કર્યો હતો. જેમના પર ગૃહના નેતા પીયૂષ ગોયલ દ્વારા 'ગેરવર્તણૂક'નો આરોપ મૂકવામાં આવ્યો હતો. પીયૂષ ગોયલે જણાવ્યુું હતું કે રાઘવ ચઢ્ઢાનું કૃત્ય અપમાનજનક અને અયોગ્ય હતું.
બનાવટી સહીઓનો પણ આક્ષેપ? પાંચ સાંસદોનો દાવો છે કે તેમની સંમતિ વિના દિલ્હી સર્વિસ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાના પ્રસ્તાવમાં તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ રજૂ કર્યો હતો. ભાજપના ત્રણ સાંસદો છે, જેમાં એક બીજેડી અને એઆઈએડીએમકેના સાંસદ છે જેમણે વિરોધ નોંધાવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ મુદ્દે તપાસની માંગ કરી હતી.
ચઢ્ઢાએ આરોપો ફગાવ્યા: રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ તેમના પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું હતું કે તેઓ વિશેષાધિકાર સમિતિ દ્વારા મોકલવામાં આવેલી નોટિસનો જવાબ આપશે. રાઘવે કહ્યું કે તેઓ ભાજપની રણનીતિનો પર્દાફાશ કરશે, જે સંસદ સભ્ય તરીકે તેમની છબીને નુકસાન પહોંચાડી રહી છે. આ એક ઉભરતા યુવાન, નીડર અને ગતિશીલ સંસદસભ્ય સામેના પાયાવિહોણા આરોપો છે અને તેની પ્રતિષ્ઠાને બગાડવાનો સુનિયોજિત પ્રચાર છે.