- જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બુધવારે મળી શંકાસ્પદ વસ્તુ
- ભારતીય સેનાની બોમ્બ સ્ક્વોડની ટીમે શંકાસ્પદ વસ્તુનું કર્યું નિરીક્ષણ
- આ વસ્તુ IED હોય તેવી સંભાવના, નેશનલ હાઈવે બંધ કરી દેવાયો
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં બુધવારે જમ્મુ-પૂંછ નેશનલ હાઈવે પર રસ્તાના છેડે એક સંદિગ્ધ વસ્તુ મળી આવી હતી. આ વસ્તુ આઈઈડી હોય તેવી સંભાવના છે. ઘટનાસ્થળે પહોંચેલા અધિકારીઓએ જણાવ્યું હતું કે, સેનાન બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે આ સંદિગ્ધ વસ્તુનું નિરીક્ષણ કર્યું હતું.
યુરોપીય સંઘનું પ્રતિનિધિમંડળ અહીં પ્રવાસે છે તે દરમિયાન જ શંકાસ્પદ વસ્તુ મળતા ચિંતા
જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલો વિશેષ રાજ્યનો દરજ્જો વર્ષ 2019માં હટાવવામાં આવ્યો હતો. ત્યારબાદ અહીંની સ્થિતિ અંગે જાણવા માટે યુરોપીય સંઘના દૂતોનું એક પ્રતિનિધિમંડળ અહીં બે દિવસના પ્રવાસે આવ્યું છે અને આવા જ સમયે આવી સંદિગ્ધ વસ્તુ મળવી એ સુરક્ષા અધિકારીઓ માટે ચિંતાનો વિષય છે.

સવારે 8.30 વાગ્યે રસ્તાના છેડેથી સંદિગ્ધ વસ્તુ મળી
મંજાકોટ પોલીસ સ્ટેશનના પ્રભારી પંકજ શર્માએ જણાવ્યું હતું કે, સવારે 8.30 વાગ્યે રસ્તાના છેડે બોમ્બ જેવી વસ્તુ મળી હતી. તેમણે વધુમાં કહ્યું કે, તરત જ સમગ્ર વિસ્તારને ઘેરી લેવાયો હતો અને બોમ્બ સ્ક્વોડને આ અંગે જાણ કરાઈ હતી. જ્યારે નેશનલ હાઈવે પણ બંને તરફથી બંધ કરી દેવાયો હતો.