હૈદરાબાદઃ એક પાકિસ્તાની યુવક પોતાની પત્નીને મળવા માટે એક વર્ષ અગાઉ ગેરકાયદેસર વાયા નેપાળથી હૈદરાબાદ પહોંચ્યો હતો. તે હૈદરાબાદમાં 1 વર્ષથી રહેતો હતો. આ યુગલ વચ્ચે વિદેશના શારજહામાં પ્રેમ પાંગર્યો હતો. ત્યારબાદ બંનેએ લગ્ન પણ કર્યા હતા. છોકરીના માતા-પિતાની મદદથી પાકિસ્તાની યુવક ભારતના હૈદરાબાદ સુધી પહોંચ્યો હતો અને રહેવા પણ લાગ્યો હતો. આધારકાર્ડ કઢાવવા જતા આ યુવક પાકિસ્તાની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે હાલ પાકિસ્તાની યુવક અને યુવતીના માતા પિતાની ધરપકડ કરી છે.
શારજહામાં થયા હતા પ્રેમલગ્નઃ 2018ના ડીસેમ્બરમાં પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખ્વાહનો 24 વર્ષીય ફૈયાઝ અહેમદ રોજગાર માટે શારજહા ગયો હતો. તે સેફઝોનના ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો. હૈદરાબાદના બહાદુરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કિશનબાગની 29 વર્ષીય નેહા ફાતિમા પણ શારજહામાં રોજગાર અર્થે ગઈ હતી. શારજહામાં ફૈયાઝે મિલેનિયમ ફેશન ઈન્ડસ્ટ્રીમાં ફાતિમાને નોકરી અપાવી હતી. તેમની વચ્ચેનો સંબંધ પ્રેમમાં પરિણમ્યો હતો. અહીં તે બંનેએ લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર પણ છે.
છોકરીના માતા-પિતાએ ભારત બોલાવ્યોઃ ફાતિમા ગયા વર્ષે હૈદરાબાદ પરત આવી ગઈ હતી અને કિશનબાગ વિસ્તારમાં રહેવા લાગી હતી. ફૈયાઝ પાકિસ્તાન આવી ગયો હતો. આ સમયે ફાતિમાના માતા-પિતા ઝુબેર શેખ અને અફઝલ બેગમે ફૈયાઝનો સંપર્ક કર્યો હતો. તેમણે હૈદરાબાદ પહોંચવા માટે ફૈયાઝના પેપર્સની ખાત્રી આપી હતી. તેમજ આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ્સની પણ જોગવાઈની વાત કરી હતી.
વાયા નેપાળ ભારત આવ્યોઃ નવેમ્બર 2022માં ફૈયાઝ પાકિસ્તાનથી કોઈપણ જાતના વિઝા કે પેપર્સ વિના નેપાળ પહોંચ્યો હતો. કાઠમંડુમાં ફાતિમાના માતા-પિતા અને ફૈયાઝ વચ્ચે મુલાકાત થઈ હતી. કેટલાક લોકોની મદદથી તેમણે બોર્ડર ક્રોસ કરી ભારતમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ તેમણે ફૈયાઝને હૈદરાબાદમાં ગેરકાયદેસર રાખ્યો હતો. તેમણે ફૈયાઝનું આધારકાર્ડ બનાવડાવ્યું અને તે ભારતીય હોવાનો ડોળ પણ કરતા હતા.
આધારકાર્ડ સેન્ટર પર થયો ભંડાફોડઃ ફાતિમાના માતા-પિતા ફૈયાઝને માદાપુર ખાતેના આધારકાર્ડ સેન્ટર પર લઈ ગયા અને તેમના પુત્ર મોહંમદ ગુસની ઓળખ આપી આધારકાર્ડ કઢાવવાની કોશિષ કરી. આ કાંડમાં તેમણે નકલી બર્થ સર્ટિફિકેટનો ઉપયોગ કર્યો હતો. સ્થાનિકોએ ફાતિમાને મોહંમદ ગુસ નામક કોઈ ભાઈ ન હોવાનું પોલીસને જણાવ્યું હતું. પોલીસ સ્થળ પર ધસી આવી અને ફૈયાઝની અટકાયત કરી હતી. ફૈયાઝનો પાકિસ્તાની પાસપોર્ટ પણ એક્સપાયર થઈ ગયો હતો. ફાતિમાના માતા-પિતાની પણ ધરપકડ કરવામાં આવી છે. સેન્ટ્રલ ઈન્ટેલીજન્સ દ્વારા ફૈયાઝની તપાસ કરવામાં આવી રહી છે. એજન્સી ફૈયાઝના સરહદ પાર કરવાનો ઈરાદા વિશે તપાસ કરી રહી છે કે આમાં કોઈ ષડયંત્ર તો નથીને ?