વોશિંગ્ટન ડીસીઃ અતિ પ્રતિષ્ઠિત એવા 96મા ઓસ્કર એવોર્ડ માટે શોર્ટ લિસ્ટ થયેલ ફિલ્મો અને ડોક્યુમેન્ટ્રીઝની યાદી ધી એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સ દ્વારા શુક્રવારે જાહેર કરવામાં આવી છે. દર વર્ષે માત્ર અમેરિકા જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાંથી આ એવોર્ડ માટે પોતાની ફિલ્મો અને ડોક્યુમેન્ટ્રીઝ ડાયરેક્ટર્સ અને પ્રોડ્યુસર્સ મોકલતા હોય છે. વિશ્વના કોઈ પણ અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા, સંગીતકાર, ગીતકાર, લેખક, સંવાદ લેખક વગેરે મોશન પિક્ચર્સ સાથે સંકળાયેલા કલાકારમાં સૌથી મોટું આકર્ષણ ઓસ્કર એવોર્ડનું હોય છે.
'બાર્બી' સૌથી આગળઃ અભિનેતા માર્ગોટ રોબીની 'બાર્બી' ફિલ્મને સૌથી વધુ 5 કેટેગરીમાં શોર્ટ લિસ્ટેડ થઈ છે. જેમાં સાઉન્ડ, ઓરિજનલ સોન્ગ, ઓરિજનલ સ્કોર જેવી કેટેગરીનો સમાવેશ થાય છે. જો કે 'બાર્બી' ફિલ્મ માટે સૌથી મોટી મિસિંગ કેટેગરી મેકઅપ અને હેરસ્ટાઈલિંગ રહી છે. આ શોર્ટ લિસ્ટેડ ફિલ્મો અને કલાકારોના નોમિનેશન માટે 11થી 16 જાન્યુઆરી 2024 દરમિયાન વોટિંગ પીરિયડ રાખવામાં આવ્યો છે. ફાયનલ નોમિનેશન્સ 23મી જાન્યુઆરીના રોજ જાહેર કરવામાં આવશે.
10 કેટેગરીઝઃ ઓસ્કર એવોર્ડ્સની 10 કેટેગરીમાં વિશ્વભરમાંથી આવેલ ફિલ્મોને શોર્ટ લિસ્ટેડ કરાઈ છે. આ 10 કેટેગરીમાં ડોક્યુમેન્ટ્રી ફીચર ફિલ્મ, ડોક્યુમેન્ટ્રી શોર્ટ ફિલ્મ, ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ, મેકઅપ એન્ડ હેરસ્ટાયલિંગ, મ્યુઝિક(ઓરિજનલ સ્કોર), મ્યુઝિક(ઓરિજનલ સોંગ), એનિમેટેડ શોર્ટ ફિલ્મ, લાઈવ એક્શન શોર્ટ ફિલ્મ, સાઉન્ડ, વિઝ્યૂઅલ ઈફેક્ટ્સનો સમાવેશ થાય છે.
શોર્ટ લિસ્ટેડ ફિલ્મોઃ 96મા ઓસ્કર એવોર્ડ માટે 10 કેટેગરીમાં શોર્ટ લિસ્ટેડ થયેલ કેટલીક ફિલ્મોનો દર્શકો માટે અહીં ઉલ્લેખ કરવામાં આવે છે. જેમાં બાર્બી, અમેરિકન સિમ્ફની, બેયોન્ડ યુટોપિયા, ફોર ડોટર્સ, મિશન ઈમ્પોસિબલ ડેડ રેકોગ્નાઈઝ પાર્ટ 1, ઈન્ડિયાના જોન્સ- ધી ડાયલ ઓફ ડેસ્ટિની, ટુ કિલ એ ટાઈગર, ધી બાર્બર ઓફ લિટલ રોક, હાઉ વી ગેટ ફ્રી, ધી લાસ્ટ રીપેર શોપ, ઓએસિસ, ધી મોન્ક એન્ડ ધી ગન, ધી ટેસ્ટ ઓફ થિંગ્સ, ગોડઝિલા માઈનસ 1 વગેરે ફિલ્મો અને ડોક્યુમેન્ટ્રીઝનો સમાવેશ થાય છે.