કન્નુર : કેરળના કન્નુરમાં પોતાના પુત્રનું યૌન શોષણ કરનાર પિતાને 90 વર્ષની સખત કેદની સજા અને ₹1.25 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કાતાલીપરંબા પોક્સો ફાસ્ટ ટ્રેક કોર્ટના જજ કે. રાજેશે સજા સંભળાવી છે. આ ઘટના 2018ની પયાનુર પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ફરિયાદમાં જણાવાયું હતું કે, આઠ વર્ષની બાળકી પર અનેકવાર જાતીય સતામણી કરવામાં આવી હતી. તત્કાલીન પયાનુર SI કે.પી. શાઈને કેસ નોંધ્યો હતો અને આરોપીની ધરપકડ કરી હતી. આ પછી પયન્નુર PI વિનોદ કુમારે તપાસ હાથ ધરી અને રિપોર્ટ સોંપ્યો હતો. POCSO કોર્ટે પાંચ કલમોમાં 90 વર્ષની સખત કેદ અને 1.25 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે. સરકારી વકીલ શેરિમોલ જોસ ફરિયાદ પક્ષે હાજર રહ્યા હતા.
વૃદ્ધને 95 વર્ષની જેલની સજા : થ્રિસુરમાં 10 વર્ષના છોકરાનું જાતીય શોષણ કરનાર 64 વર્ષીય વ્યક્તિને 95 વર્ષની સખત કેદ અને 4.5 લાખ રૂપિયાના દંડની સજા ફટકારવામાં આવી છે. ચાલકુડી પોક્સો કોર્ટે માલા પુથનચિરાની વતની હાઈડ્રોસને દોષિત ઠેરવી છે. દંડની સંપૂર્ણ રકમ પીડિતને ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઘટના વર્ષ 2018ની છે.
શું હતો મામલો ? એવું કહેવામાં આવી રહ્યું છે કે, દોષિત પક્ષીઓને પકડીને વેચતો હતો. ક્રૂરતાનો ભોગ બનેલો 10 વર્ષનો વિદ્યાર્થી પણ દોષિત વ્યક્તિ પાસેથી પોપટ ખરીદવા આવતો હતો. આ દરમિયાન આરોપીએ બાળકને ધમકીઓ આપી અને અનેક વખત તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. વર્ષ 2018માં આરોપીએ એક વર્ષ સુધી બાળક પર ત્રાસ ગુજાર્યો હતો. અપરાધ સમયે વ્યક્તિની ઉંમર 60 વર્ષ અને છોકરાની ઉંમર 10 વર્ષ હતી. આખરે છોકરાએ તેના મિત્રોને ઘટના વિશે જણાવ્યું હતુ.
પોલીસ તપાસ : મિત્રોએ બાળકના પરિવારને ઘટનાની જાણ કરી હતી. જે બાદ પરિવારે આરોપી વિરુદ્ધ માલા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. CI સાજીન શશીએ કેસની ચાર્જશીટ રજૂ કરી હતી. જેની તપાસ CI કે.કે. ભૂપેશ અને સાજીન શશીએ કરી હતી. હવે આ કેસમાં કોર્ટે 64 વર્ષીય વ્યક્તિને દોષી ઠેરવીને 95 વર્ષની સખત કેદ અને 4.5 લાખ રૂપિયાના દંડની સજા ફટકારી છે.