- ઉદયપુર પોલીસ દ્વારા પકડવામાં આવી રોકડ રકમ
- કારમાં કુલ 1.48 કરોડ રૂપિયા રોકડા લઈ જવાતા હતા
- પોલીસે આરોપીઓને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ધરી
ઉદયપુર: લેક સિટી ઉદયપુરની ઘંટાઘર પોલીસને મળેલી બાતમીના આધારે ગુજરાત પાસિંગની એક કારમાં લઈ જવાઈ રહેલી 1.48 કરોડની રકમને ઝડપી પાડવામાં સફળતા મળી છે. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બાતમીના આધારે ઝડપાઈ આ રોકડ રકમ
ઘંટાઘર પોલીસ મથકના અધિકારી શૈલેન્દ્ર સિંહના જણાવ્યા પ્રમાણે, મોચીવાડા પાસે પોલીસને બાતમી મળી હતી કે, ગુજરાત પાસિંગની એક કારમાં 3 વ્યક્તિ રોકડા રૂપિયા લઈને જઈ રહ્યા છે. બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ કારને રોકી હતી. જેની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી.
હવાલાના હતા પૈસા, અમદાવાદ પહોંચાડવાના હતા
પોલીસે તપાસ કરતા કારની વિવિધ સીટની નીચે એક ગુપ્ત કબાટ બનાવીને રાખવામાં આવેલા ચલણી નોટોના 10 પેકેટ મળી આવ્યા હતા. આ પેકેટ્સને બહાર કાઢીને ગણવામાં આવતા કુલ 1 કરોડ, 48 લાખ, 50 હજાર રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસની પૂછપરછમાં કારમાં સવાર લોકોએ આ પૈસા હવાલાના હોવાનું જણાવ્યું હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, તેઓ આ પૈસા અમદાવાદ હેડ ઓફિસ ખાતે લઈ જઈ રહ્યા છે.
રાજસ્થાનમાં પંચાયતની ચૂંટણીને લઈને પોલીસ સતર્ક
આગામી દિવસોમાં રાજસ્થાનમાં પંચાયતની ચૂંટણીઓ આવતી હોવાથી પોલીસ સતર્ક છે. જેથી પકડાયેલી આ રકમ કોણે મોકલી હતી અને કોને પહોંચાડવાની હતી, તેમજ છેલ્લા કેટલા સમયથી ઉદયપુરમાં હવાલાની કામગીરી ચાલતી હતી, તે જાણવા માટે પોલીસે આરોપીઓની કડકાઈથી પૂછપરછ હાથ ધરી છે.