- તુલસીએ એક ડઝન કેરીને 1.2 લાખમાં વેચી
- અમ્યા હેતેએ 1.2 લાખની કિંમતની 12 કેરી ખરીદી
- ઓનલાઇન ક્લાસ ભરવા માટે નવા સ્માર્ટફોન ખરીદવાનું સપનું પૂરું કર્યું
જમશેદપુર : ઝારખંડના જમશેદપુરની 11 વર્ષીય તુલસી કુમારી જે કેરીનું વેચાણ કરે છે. તાજેતરમાં જ તુલસીએ એક ડઝન કેરીને 1.2 લાખમાં વેચીને ઓનલાઇન ક્લાસ ભરવા માટે નવા સ્માર્ટફોન ખરીદવાનું પોતાનું સપનું પૂરું કર્યું છે. મુંબઇ સ્થિત ઉદ્યોગપતિ અમ્યા હેતેને તુલસીના સંઘર્ષ વિશે ખબર પડતા તેમને 10,000 રૂપિયાની એક એમ કુલ 12 કેરી ખરીદીને અભ્યાસ માટે તુલસીને મદદ કરવાનું નક્કી કર્યું હતું.
ઓનલાઇન ક્લાસ ભરવા માટે સ્માર્ટફોન ખરીદવાનો કોઈ ઉપાય ન હતો
મીડિયા સાથે વાત કરતા તુલસી કુમારીએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન તેમના પરિવારની આર્થિક સ્થિતિ કથળી હતી. તેના માતાપિતા પાસે ઓનલાઇન ક્લાસ ભરવા માટે સ્માર્ટફોન ખરીદવાનો કોઈ ઉપાય ન હતો. હું સ્માર્ટફોન ખરીદવા માંગતી હતી, પરંતુ કેરી વેચવાથી જે કંઈપણ આવક થાય છે, તે પરિવાર માટે રાશન ખરીદવામાં ખર્ચાઇ જાય છે. જે બાદ એક 'સર'એ મારી પાસેથી 10,000 રૂપિયાના ભાવથી 12 કેરી ખરીદી હતી. જેમાંથી મે સ્માર્ટફોન ખરીદ્યો છે.
તુલસીએ રસ્તાની આજુબાજુ કેરી વેચવાનું શરૂ કર્યું
આ ઘટનાની રજૂઆત કરતાં તુલસીની માતા પદ્મિની દેવીએ જણાવ્યું હતું કે, તેમની પુત્રી તુલસી જે વર્ગ 5ની વિદ્યાર્થિની છે, તેનું ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવા માટે સ્માર્ટફોન ખરીદવા માંગતી હતી. તુલસી સ્માર્ટફોન ખરીદવા માટે અડગ હતી. જે કારણે લોકડાઉન દરમિયાન રસ્તાની આજુબાજુ કેરી વેચવાનું શરૂ કર્યું હતું. જ્યારે મુંબઇના એક ભલા વ્યક્તિને તુલસીના આ સંઘર્ષ વિશે જાણ થઈ, ત્યારે એ ભલા વ્યક્તિએ તુલસીને પૈસા મોકલ્યા હતા. જેથી તુલસી પોતાનું ભણવાનું અને કંઈક બનવાનું સ્વપ્ન સાકાર કરી શકે.
તુલસીએ એક નવો સ્માર્ટફોન અને અભ્યાસની સામગ્રી ખરીદી
તુલસીની માતાએ પણ દીકરીના શિક્ષણ પ્રત્યેના જુસ્સાને આગળ વધારવા બદલ અમ્યા હેતેનો આભાર વ્યક્ત કર્યો હતો. અમે તેમના આભારી છીએ. અમ્યા હેતેએ 1.2 લાખની કિંમતની 12 કેરી ખરીદી છે. અમે આ પૈસાથી તુલસીએ એક નવો સ્માર્ટફોન અને અભ્યાસની સામગ્રી ખરીદી છે.
સોશિયલ મીડિયાની પોસ્ટ દ્વારા તુલસી વિશે જાણ થઇ
અમ્યા હેતેના જણાવ્યા અનુસાર, તેમને એક પત્રકારની સોશિયલ મીડિયાની પોસ્ટ દ્વારા તુલસી વિશે જાણ થઇ હતી. જે બાદ મે તેને મદદ કરવાનો નિર્ણય કર્યો હતો. જ્યારે મે તુલસી વિશે સાંભળ્યું, ત્યારે તે મારા હૃદયને સ્પર્શી ગયું હતું. કોરોના સંક્રમણને કારણે અસંખ્ય બાળકોની ગરીબી સાથેની લડતમાં શિક્ષણ છૂટી ગયું છે. સંજોગોને કારણે છોડવાની અને પોતાના સપના સાથે બંધછોડ ન કરી તેને પૂરા કરવાના પ્રયત્નો કરવાની ભાવના વિશે જાણ્યા બાદ મે તેને મદદ કરવાનો નિર્ધાર કર્યો હતો.
આ પણ વાંચો -