ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના અલ્પવિરામ બાદ બેક ટુ બેક ગુજરાતની મુલાકાત કરી રહ્યા છે. હવે તેઓ ફરી એક વખત ગુજરાતમાં ભાજપના પ્રચાર હેતું આવી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં સભા કર્યા બાદ હવે મધ્ય ગુજરાતમાં પ્રચારના પડઘા પાડશે. વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતના રાજકીય રીતે પડઘા પડી રહ્યા છે. જુદા જુદા સમીકરણને લઈને એમની મુલાકાતને ધ્યાને લેવામાં આવી રહી છે. અમદાવાદમાં વડાપ્રધાન મોદી રોડ શો કરશે. એ પછી એક જાહેરસભાને સંબોધશે. જ્યારે ગુરૂવારે પાલનપુરમાં વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરાયું છે. એમાં ખાસ હાજરી આપશે.
સ્ટાર પ્રચારકો મેદાનેઃ બુધવારે ઉત્તર પ્રદેશ રાજ્યના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ કચ્છ આવી રહ્યા છે. જ્યાં તેઓ રાપર, મોરબીના હળવદમાં પ્રચાર કરશે. આ માટે મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સાંજના સમયે તેઓ મહાનગર સુરતમાં જશે. જ્યાં તેઓ વરાછાના મતક્ષેત્રમાં ભાજપના ઉમેદવારના સમર્થનમાં ઊતરશે. આ માટે તેઓ લોકઅપીલ પણ કરશે. જ્યારે અમિત શાહ સુરેન્દ્રનગરમાં આવેલા પાટડીમાં શંખનાદ કરશે. જ્યારે સાંજ સુરતના પલસાણામાં ભાજપ પ્રચાર સંમેલનમાં ખાસ હજારી આપશે. આ પહેલા મોદીએ ગત શનિવારથી સતત ત્રણ દિવસ જુદા જુદા જિલ્લાઓની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે સુરેન્દ્રનગરમાંથી કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા.
મહેસાણામાં મહાસભાઃ ચૂંટણી પ્રચારના કાર્યક્રમ હેતું મહેસાણા આવતા મોદી પોતાના મુખ્યપ્રધાન તરીકેના કાર્યકાળની યાદ તાજા કરી શકે છે. મહેસાણાના એરોડ્રમ ખાતે તથા વડોદરાના નવલખી ગ્રાઉન્ડમાં તેઓ જનમેદનીને સંબોધન કરશે. જ્યારે સાંજના સમયે ભાવનગર પશ્ચિમ માટે પ્રચાર હેતું આવશે. જે ભાજપના મોટા નેતા જીત વાઘાણીની સીટ છે. જોકે, ગુજરાતમાં સ્ટાર પ્રચારકોમાં રવિ કિશનનો પણ સમાવેશ થાય છે. જોકે, ગુજરાતમાં પ્રચાર પડઘમ શરૂ થતા અનેક રાજકીય સમીકરણની ચર્ચા થઈ રહી છે.