મધ્ય ગુજરાત: ગુજરાત વિધાનસભા ચૂંટણીના (Gujarat Assembly elections 2022) પરિણામોમાં મધ્ય ગુજરાતની (central Gujarat) બેઠકો ખુબ જ મહત્વની રહી છે. આ વખતે મધ્ય ગુજરાતની 61 બેઠક પર પણ રાજકીય પાર્ટીઓની ચાંપતી નજર રહેશે. આ બેઠકો જીતવા માટે ગ્રામ્ય વિસ્તાર ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. અહીં આદિવાસી મતદારો ટ્રેન્ડ સેટરની (tribal voters are seen in the role of trend setters) ભૂમિકામાં જોવા મળે છે.
61 બેઠકોનો સમાવેશ: મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, આણંદ જેવો પચરંગી વસ્તી ધરાવતો શહેરી વિસ્તાર પણ છે અને આદિવાસી વસ્તી બહુલ જિલ્લાઓ પણ છે. ગુજરાત વિધાનસભા બેઠકોની વાત કરીએ તો કુલ 61 બેઠકો મધ્ય ગુજરાતમાં આવેલી છે. તેમાંથી વડોદરામાં 10, દાહોદમાં 6, આણંદમાં 7, અમદાવાદમાં 21, ખેડામાં 6, મહીસાગરમાં 3, પંચમહાલમાં 5 અને છોટાઉદેપુરમાં 3 બેઠકોનો સમાવેશ થાય છે. આ તમામ જિલ્લાઓમાં 61 સીટો વિધાનસભા ક્ષેત્રની આવેલી છે. આ સીટો પર હાલમાં ભાજપ પાસે 38 બેઠક છે. કોંગ્રેસ પાસે 22 બેઠક અને 1 બેઠક અપક્ષ પાસે છે.
મતદારોની સંખ્યા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે કુલ 182 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે. જે પૈકી મધ્ય ગુજરાતમાં કુલ 61 બેઠકો આવેલી છે. વિધાનસભાની ચૂંટણીમાં મધ્ય ગુજરાતની ચર્ચા વધુ રહેતી હોય છે. કારણ કે અમદાવાદ અને વડોદરાના શહેરી વિસ્તારોને બાદ કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં રાજકીય પક્ષો આદિવાસી, ઓબીસી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના મતદારોને રિઝવવા જોર લગાડતા હોય છે. આદિવાસી વિસ્તારમાં જાહેરસભા અને રોડ શૉ તેમ જ ગામડે-ગામડે ખાટલા બેઠક સહિતનો પ્રચાર ત્યાં વધુ થાય છે.મધ્ય ગુજરાતની મતદાર સંખ્યા જોઇએ તો ચૂંટણી પંચે જાહેર કરેલી આખરી મતદાર યાદીમાં નોંધાયેલી સંખ્યા મુજબ કુલ પુરુષ મતદાર 84, 51,000 છે અને મહિલા મતદારોની સંખ્યા 80,17,000 છે. એટલે કે કુલ મતદાર સંખ્યા 1,64,73,000 ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે નોંધાયા છે.
જાતિ સમીકરણ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સૌથી મહત્વની ભૂમિકા જાતિ સમીકરણ હોય છે. ત્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો તમામે 8 જિલ્લામાં સૌથી વધુ ઓબીસી જાતિ પ્રભુત્વ ધરાવે છે. જેમાં 28 જેટલી બેઠકો પર અસર વર્તાઈ શકે છે. ત્યારબાદ અનુસૂચિત જાતિ મધ્ય ગુજરાતની 15 જેટલી બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે. તો અનુસૂચિત જનજાતિ વિવિધ બેઠકોમાં 5 બેઠકો પર પ્રભુત્વ જોવા મળી રહ્યું છે. સાથે 5 જેટલી બેઠકો પર પાટીદાર જાતિ પોતાનું પ્રભુત્વ ધરાવે છે. હાલમાં જાતિ આધારિત સમીકરણ પ્રમાણે મધ્ય ગુજરાતમાં ભાજપને વધુ નુકસાન થઈ શકે તેમ નથી. મધ્ય ગુજરાતમાં કેટલીય બેઠકો પર ઓબીસીનું વધુ પ્રભુત્વ છે અને આદિવાસી જ્ઞાતિનું પણ કેટલીક બેઠક પર વધુ પ્રભુત્વ છે. આ બેઠકો પર આદિવાસી જાતિ હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીને વધુ નુકસાન થઈ શકે તેમ નથી. જેવી કે છોટા ઉદેપુર, પાવી જેતપુર, પંચમહાલ, દાહોદ, લીમખેડા આ બેઠકો પર વધુ મુશ્કેલી ભાજપને પડી શકે તેમ નથી.
ચૂંટણીલક્ષી મુદ્દાઓ: કુલ 61 બેઠકોને આવરી લેતો મધ્ય ગુજરાતનો વિસ્તાર અમદાવાદ વડોદરા આણંદ જેવા શહેરોના કારણે મોટી વસ્તીને આવરી લે છે. ત્યારે સૌ નાગરિકો માટે કોમન મુદ્દો સિવિક સુવિધાઓનો છે. સારા માર્ગોની માગ હમણાંથી વધી છે કારણે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારે આ મુદ્દે સૌથી વધુ કામ કર્યું હતું જે બાદ ચોમાસાના વરસાદમાં રસ્તાઓની હાલત બગડી છે તે સમારકામ માગે છે. આ વિસ્તારોમાં મોટાપ્રમાણમાં ટ્રાન્સપોર્ટેશન જોવા મળે છે ત્યારે આ બહુ જ જરુરી બાબત બની જાય છે. બીજો મહત્ત્વનો મુદ્દો ઊનાળામાં પાણીની તંગીનો છે. સરકારે અનેક યોજનાઓ થકી ઘર ઘર પાણીની વાત કરી છે તેમ છતાં અંતરિયાળ વિસ્તારોમાં ખાસ તો આદિવાસી વિસ્તારોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચે તેની અપેક્ષા હજુય ઊભી છે. વધતી જતી વસ્તી અને સરકારની યોજનાઓના માપ વચ્ચેનો તફાવત આ સમસ્યાને વધુ વિકટ બનાવી દે છે. નર્મદા યોજનાના નીરથી થતી જળ આપૂર્તિ છતાં ઔદ્યોગિક અને ઘરેલુ પાણીનું વિતરણ કરવામાં અસમાનતા ઉકેલાય તેવી પણ જનતાની અપેક્ષા છે. મધ્ય ગુજરાતમાં આદિવાસી બહુલ વિસ્તારોમાં પાયાની સુવિધાઓની સાથે સારી શિક્ષણ સંસ્થાઓનો મુદ્દો પણ છે.
દરેક પાર્ટીઓ હાલ ચૂંટણી પ્રચારમાં લાગી છે. ભાજપ આદિવાસીઓ માટેની યોજના અને તેમને મળતા લાભની વાત કરે છે. કોંગ્રેસે આદિવાસીઓ માટે શું કામ કર્યા અને હાલની તેમની સમસ્યા પર પ્રચાર કરે છે. આમ આદમી પાર્ટી શિક્ષણ, આરોગ્ય અને રોજગારીના મુદ્દાને લઈ પ્રચાર કરી રહ્યો છે. ટૂંકમાં ત્રણેય પક્ષો પોતાના અલગ મુદ્દા લઈને મધ્ય ગુજરાતમાં પ્રચાર કરશે.