ગાંધીનગર: ગુજરાતમાં પ્રથમ તબક્કાની 19 જિલ્લાની 89 વિધાનસભા બેઠક પર આજે મતદાન યોજાશે(First Phase of voting). કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠક પર મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. રાજ્ય ચૂંટણી પંચ(State Election Commission) દ્વારા સવારે 6.30 કલાકથી જ તમામ જિલ્લા પર બારીકાઈથી નજર રાખવામાં આવશે.
788 ઉમેદવારોના ભાવિનો ફેંસલો: પ્રથમ તબક્કામાં 89 બેઠક પર 25,430 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં 9,014 શહેરી વિસ્તારોમાં અને 16,416 ગ્રામ્ય મતદાન મથકો છે. 2.39 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં કુલ મતદારો પૈકી 1,24,33,362 પુરૂષ મતદારો અને 1,15,42,811 મહિલા મતદારો અને 497 ત્રીજી જાતિના મતદારો નોંધાયા છે. જ્યારે 18થી 19 વર્ષની વયના કુલ 5,75,560 મતદારો પ્રથમ વખત મતદાન કરશે. પ્રથમ તબક્કામાં 99 વર્ષથી વધુ વય ધરાવતા 4945 મતદારો મતદાન કરશે. ક્ચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 163 જેટલા NRI/NRG મતદાન કરવા ગુજરાત પહોંચ્યા છે. જેમાં 125 પુરુષ અને 38 જેટલી NRI/NRG મહિલાઓનો સામાવેશ થાય છે.
વેબકાસ્ટિંગ પર સતત નજર: મતદાન પ્રક્રિયા ન્યાયી અને નિષ્પક્ષ રીતે થાય તે માટે ગુજરાતનું ચૂંટણીતંત્ર સંપૂર્ણ સુસજ્જ છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સૂચના પ્રમાણે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં કુલ 25,430 મતદાન મથકોમાં મતદાન યોજાશે. તે પૈકીના 13,065 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે. ચૂંટણી પંચ દ્વારા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, સેક્ટર-19, ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો મોનિટરિંગ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યાંથી આ તમામ 13,065 મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવશે. આ મોનિટરિંગ રૂમમાં 42 જેટલા કર્મચારીઓ/અધિકારીઓ મતદાન સવારે 8:00 વાગે શરૂ થાય તે પૂર્વેથી મતદાન મથકોના વેબકાસ્ટિંગ પર સતત નજર રાખશે. છ જેટલા ઉચ્ચ અધિકારીઓ રાજ્ય કક્ષાના આ મોનિટરિંગ રૂમમાંથી વેબકાસ્ટિંગ દ્વારા મતદાન પ્રક્રિયા પર દેખરેખ રાખશે. સવારે 6.30 વાગ્યાથી મતદાન પ્રક્રિયા સંપન્ન થાય ત્યાર સુધી સતત અવલોકન ચાલુ રહેશે. જ્યારે જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો છે.