ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (CM Bhupendra Patel) અસાધારણ જીત મેળવ્યા બાદ ગુજરાત રાજ્યમાં ભાજપ સતત આઠમી વખત સરકાર બનાવી રહ્યો છે. જોકે, આ વખતે પણ પક્ષ પલટા સહિતના મુદ્દાઓ ક્યાંકને ક્યાક અસર કરી રહ્યા છે. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં (List of Patidar CM in Gujarat) રાજ્યને અત્યાર સુધીમાં કુલ 5 પાટીદાર મુખ્યપ્રધાન મળ્યા છે. જેમાં સ્વ. ચિમન પટેલ, સ્વ. બાબુભાઈ પટેલ, સ્વ. કેશુભાઈ પટેલ, આનંદીબેન પટેલ અને હવે ભૂપેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે.
આજ સુધી નથી બન્યુંઃ ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાયા બાદ સતત બીજી વખત કોઈ પાટીદાર મુખ્યપ્રધાન તરીકે (Patidar CM in Gujarat) આવ્યા હોય એવું આજ સુધી બન્યું નથી. અગાઉ પણ કોઈ પાટીદાર મુખ્યપ્રધાન તરીકે આવ્યા બાદ પાંચ વર્ષની ટર્મ પૂરી કરી શક્યા નથી. સ્વ. ચિમન પટેલ તારીખ 18 જુલાઈથી 1973થી 9 ફેબ્રુઆરી 1974 એટલે કે કુલ 207 દિવસ સુધી શાસનમાં રહ્યા હતા. જોકે, એના પછી બાબુભાઈ મુખ્યપ્રધાન તરીકે આવ્યા પણ ચિમનભાઈની સરકાર ગઈ અને બાબુભાઈની સરકાર આવી એ દરમિયાન (Gujarat Patidar CM) રાષ્ટ્રપતિ શાસન પણ લાગુ થયું હતું.
સોલંકીની સરકારઃ આ વખતેની ચૂંટણીમાં માધવસિંહ સોલંકી વખતેની ચૂંટણીનો રેકોર્ડ પણ બ્રેક થયો છે. વડાપ્રધાન મોદીએ ઔકાત ન બતાવે અને કોંગ્રેસ ગામડે ગામડે ખાટલા પંચાત કરીને પ્રચાર કરી રહી છે એવું કહીને જાણે અસ્તિત્વ ટકાવવા મથી રહેલા વિપક્ષને ક્લોરોફોર્મ સુંઘાડી દીધું હોય એવો માહોલ પરિણામમાં જોવા મળ્યો છે. તારીખ 18 જૂન 1975થી 12 માર્ચ 1976 સુધી બાબુભાઈ પટેલ શાસનમાં રહ્યા છે. તેમણે 268 દિવસ સુધી શાસન કર્યું છે. એમની સરકારનું પતન થઈ જતા રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયું હતું. એ પછી માધવસિંહ સોલંકીની સરકાર બની હતી. તેમણે કુલ 107 દિવસ સુધી રાજ કર્યું હતું. એ પછી બાબુભાઈ ફરી એકવખત સત્તા પર આવ્યા. તારીખ 11 એપ્રિલ 1977થી 6 જૂન 1980 સુધી મુખ્યપ્રધાન પદે રહ્યા.
ટર્મ અધૂરીઃ તારીખ 4 માર્ચ 1990થી 17 ફેબ્રુારી 1994 સુધી જનતા મોરચાના મુખ્યપ્રધાને ગુજરાત પર રાજ કર્યું. પણ ભાજપે એ સમયે ટેકો પાછો ખેંચી લેતા કોંગ્રેસ સમર્થનથી તારીખ 25 ઑક્ટોબર 1990માં ચિમન પટેલ મુખ્યપ્રધાન તરીકે પદ પર આવ્યા. એમનું હ્દયહુમલાને કારણે મૃત્યું થતા બાકીની ટર્મ છબીલદાસ મહેતાએ પૂર્ણ કરી હતી.
ભૂકંપ પછી રાજીનામુઃ તારીખ 14 માર્ચ 1995ના રોજ કેશુબાપા પહેલી વખત ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન બન્યા હતા. પણ સામે શંકરસિંહ વાધેલાએ બળવો કરતા 221 દિવસ શાસન કર્યા બાદ 21 ઑક્ટોબર 1995માં રાજીનામું આપી દીધું હતું. વર્ષ 1998માં ચૂંટણી બાદ તેઓ ફરી એકવખત રાજ્યના મુખ્યપ્રધાન તરીકે આવ્યા. પણ ગુજરાતમાં આવેલા ભૂકંપ બાદ તેમણે રાજીનામું આપી દીધું.
આનંદીબેન પટેલઃ હાલના વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન એવા નરેન્દ્રભાઈ મોદીએ એક લાંબી ઈનિંગ રમ્યા બાદ આનંદીબેન પટેલને રાજ્યની જવાબદારી સોંપી હતી. જેઓ રાજ્યના પહેલા મહિલા મુખ્યપ્રધાન તરીકે રહ્યા. તારીખ 22 મે 2014ના રોજ તેઓને રાજ્યના મુખ્યપ્રધાન તરીકે પદ આપવામાં આવ્યું. પણ એના શાસનમાં પાટીદાર અનામત આંદોલનને કારણે માત્ર 2 વર્ષ અને 77 દિવસમાં સીએમ પદથી દૂર થયા. એના પછી વિજય રૂપાણીએ રાજ્ય પર રાજ કર્યું.
વિજય પછી ભૂપેન્દ્ર પટેલઃ તારીખ 13 સપ્ટેમ્બર 2021ના રોજ વિજય રૂપાણી સરકારના તમામ મંત્રીઓને હટાવી દેવાયા હતા. એ પછી ગુજરાતનું સુકાની ભૂપેન્દ્ર પટેલને આપવામાં આવ્યું હતું. એમના શાસનમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને કુલ 156 બેઠકો પર ભાજપે મોટી સફળતા પ્રાપ્ત કરી. જોકે, પ્રચાર ઝૂંબેશ વખતે અમિત શાહે એલાન કરી દીધું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર આવશે તો ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન તરીકે રહેશે.
રેકોર્ડ બની શકેઃ જો ભૂપેન્દ્ર પટેલ પાંચ વર્ષની ટર્મ પૂરી કરશે તો તેઓ ગુજરાતના સૌથી વધારે સમય સુધી મુખ્યપ્રધાન તરીકે રહેનારા બીજા વ્યક્તિ બનશે. વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં મુખ્યપ્રધાન તરીકે 12 વર્ષ 227 દિવસ સુધી શાસન કર્યું છે. જે ગુજરાત માટે એક રેકોર્ડ છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યપ્રધાન તરીકે કુલ 86 દિવસ સુધી શાસન કર્યું છે. જો તેઓ 2027 સુધી રહે તો છ વર્ષથી વધી જશે. નરેન્દ્ર મોદી સિવાય અત્યાર સુધીમાં મુખ્યપ્રધાન તરીકે કોઈ 6 વર્ષનો કાર્યકાળ પૂરો કરી શકયા નથી.