ભાવનગર - ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની (Gujarat Assembly Election 2022) તૈયારીઓ રાજકીય પક્ષોમાં શરૂ થઈ ગઈ છે. ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારે ETV BHARAT તરફથી દરેક બેઠકનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. ભાવનગર 101 ગારીયાધાર વિધાનસભા બેઠક સામાન્ય તાલુકો છે. 2012થી 2017 અને હવે 2022 સુધીની સફર રાજકીય તેમજ સામાજિક પરિબળો વિશે તમને માહિતગાર કરશું. ભૂતકાળની સ્થિતિ અને વર્તમાન સ્થિતિ વિશે જાણીએ.
ગ્રામ્ય 101 વિધાનસભા બેઠક અને તેની ઓળખ: ગુજરાત વિધાનસભા ચૂંટણી સંદર્ભે ETV BHARAT એ 101 ગારીયાધાર વિધાસભાનું વિશ્લેષણ કર્યું છે. 101 વિધાનસભા ગારીયાધાર બેઠકમાં આવેલા વિસ્તારો અને ઓળખ વિશે જાણીએ. 101 વિધાનસભા ગારીયાધાર શહેરમાં 300 વર્ષ જુના ભીડભંજન મહાદેવનું મંદિર છે. ગારીયાધારની સેવ કળી તરીકે રાજ્યમાં પ્રખ્યાત છે. આ સિવાય ગારીયાધારમાં હીરાના કારખાનાઓ, ખેતી મુખ્ય છે.
ગારીયાધાર વિધાનસભા બેઠક પર સમાજનું પ્રભુત્વ અને રાજકીય અસર: ભાવનગર શહેરની 101 વિધાનસભા બેઠક (Gariadhar Assembly Seat) પર સમાજની દ્રષ્ટિએ જોવા જઈએ તો કોળી સમાજ,પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહેલું છે. 2012 થી 101 વિધાનસભા બેઠક પર મતદારોનો મિજાજ બદલાયો નથી. ભાજપ 2012માં સત્તામાં મતદારોનો ટેકો રહ્યો છે .જો કે કોંગ્રેસે ઉમેદવારો બદલ્યા પણ ભાજપના પટેલ સમાજના એક માત્ર ઉમેદવાર છ ટર્મથી જીત મેળવતા આવ્યા છે. ખેડૂત પુત્ર કેશુભાઈ નાકરાણી ભાજપના ગારીયાધારની બેઠક પર પ્રભુત્વ 27 વર્ષથી સતત ધરાવે છે. તેમની સામે કોઈ પણ ઉમેદવાર હોઈ તો ટકી શકયો નૉહતો.
2012ની મતની ટકાવારી:
ગારીયાધારના વિધાનસભા બેઠક 101 ઉપર 2012ની સ્થિતિ જાણીએ તો કોંગ્રેસે બાબુભાઇ માંગુકીયા પટેલ સમાજમાંથી આવતા હોય તેમને ટીકીટ આપી હતી. બાબુભાઈને કોંગ્રેસમાંથી લડતા અને પટેલ સમાજમાંથી આવતા હોવાથી મતદારોનો મિજાજ કોંગ્રેસ પર ઉતર્યો નૉહતો. બાબુભાઇને કુલ 37,349 મત મળ્યા હતા. જ્યારે તેમની સામે ભાજપના કેશુભાઈ નાકરાણીને 53,377 મતો મળ્યા હતા. આમ ભાજપના કેશુભાઈએ 16,028 મતોના માર્જિનથી જીત મેળવી હતી. 2012માં કુલ મતદારો 1,82,936 હતા. જેમાં કુલ મતદાન 65 ટકા મતદાન થયું હતું. કુલ ઉમેદવારો 13 મેદાનમાં હતા જેમાં મહુવાના ડો કનું કળસરિયાએ પણ અપક્ષ ઉમેદવારી કરી હતી. ભાજપ છોડીને ભાજપ સામે કનુભાઈએ લડત આપવા મેદાનમાં ઉતર્યા પણ નુકશાન કોંગ્રેસને ગયું કારણ કે 10 હજાર મત કનુભાઈના ફાળે ગયા હતા.
ગારીયાધાર વિધાનસભાની 2017ની મત અને પરિસ્થિતિ: ગુજરાત વિધાનસભામાં 7 બેઠકમાંથી ભાજપ 2017 માં 6 મેળવવામાં સફળ રહી હતી. ગારીયાધાર વિધાનસભા 101માં 2017માં જોઈએ તો ભાજપે 6ઠ્ઠી વખત પટેલ સમાજના કેશુભાઈ નાકરાણી ઉપર પસંદગી ઉતારી હતી. જ્યારે કોંગ્રેસે પરેશભાઈ ખેનીને ટીકીટ આપી હતી. જેઓ પણ પટેલ સમાજમાંથી આવે છે. મતદાન બાદ પરિણામ આવતા કોંગ્રેસના પરેશભાઈને 48,759 મત મળ્યા જ્યારે ભાજપના કેશુભાઈ નાકરાણીને 50,635 મત મળ્યા હતા. ભાજપની સ્થિતિ 2012 કરતા બગડી હતી. કુલ મતદારો 2,01,077 નોંધાયેલા છે જેમાં પુરુષ 1,06,146 અને સ્ત્રી 94,931 નોંધાયેલ મતદારો છે. કેશુભાઈ નાકરાણી ભાજપમાંથી 1876 માર્જિનથી જીત મેળવી હતી. જો કે આ બેઠક પર 55 ટકા મતદાન થયું હતું જે 2012ની સરખામણીમાં ઓછું હતું. છતાં ભાજપને ફાયદો આપી ગયું હતું.જો કે કેશુભાઈએ 2012 માં 16 હજાર જેવી લીડ મેળવી હતી ત્યારે 1876 માત્ર 2017 માં લીડ મળતા માર્જિન નજીવું થઈ ગયું હતું.
ગારીયાધાર બેઠકની વિશેષતા અને રોજગાર વ્યવસાય: ગુજરાત વિધાનસભાની 101 ગારીયાધાર બેઠક ઉપર નજર કરવામાં આવે તો મુખ્ય વ્યવસાયમાં તાલુકામાં વ્યવસાય એક માત્ર ખેતી છે. તાલુકાના લોકોની કમાણી માટે ખેતી કરે છે, જ્યારે ગારીયાધારના સ્થાનિક લોકો માટે રોજગારમાં હીરાના કારખાના અને નાના મોટા વ્યવસાય છે. ખેતીમાં તાલુકામાં મજૂરી કામ મળી રહે છે. મોટાભાગે હીરા પર ગારીયાધાર શહેર નભી રહ્યું છે એ સિવાય શહેરમાં 40 જેટલી મોટી સેવ જે કળી તરીકે ગુજરાત આખામાં જાય છે.
આ વિસ્તારમાં સમસ્યાઓ અને શું રહી છે માગો: ગારીયાધાર વિધાનસભા બેઠક પર સૌથી મોટી સમસ્યા રોજગારીની રહેવા પામી છે. વિપક્ષમાં બેઠેલા કોંગ્રેસ વારંવાર વિરોધ કરતું આવ્યું છે. ગ્રામ્યમાં રોજગારીમાં માત્ર ખેતી એક માત્ર માધ્યમ છે. આ વિસ્તારમાં ખેતી મોટો વ્યવસાય છે જેમાં લોકોને કપાસ, મગફળી અને ડુંગળીના ભાવ ના મળે તો ખેડૂત નારાજ થાય છે. આ બેઠકે સતત 27 વર્ષથી પ્રજા ભાજપને આપતું આવ્યું છે ત્યારે આ વિસ્તારનો મુખ્ય વ્યવસાય ખેતી હોવા છતાં માર્કેટિંગ યાર્ડ બંધ હાલતમાં છે. GIDCની માંગ કરવામાં આવી રહી છે. એક માત્ર હીરા ઉદ્યોગ છે જ્યારે અન્ય રોજગારીનું માધ્યમ નથી. ગ્રામ્યમાં ક્યાંક રસ્તા સારા તો ક્યાંક રસ્તાઓ ખરાબ હોવાની ફરિયાદો ઉઠતી રહી છે. આ બેઠકમાં ભાજપના ધારાસભ્ય અન્ય રોજગારલક્ષી કાર્ય કરવામાં સફળ રહ્યા નથી.