ગાંધીનગર: મધુ શ્રીવાસ્તવ પર ચૂંટણી પંચે સુઓ મોટો દાખલ કર્યો છે. જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી વિગતો માંગવામાં આવી છે. વાઘોડિયા બેઠક પર ભાજપે ટિકિટ ના આપતા મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, તેમણે આપેલ વિવાદાસ્પદ નિવેદનને લઈને ચૂંટણી પંચે મધુ શ્રીવાસ્તવ પર સુઓ મોટો (suo moto against Madhu Srivastava) દાખલ કર્યો છે. જે બાદ આજે વડોદરા મુખ્ય ચૂંટણી અધિકારી અતુલ ગોરે આ મામલે માહિતી આપી હતી.
અહેવાલ માંગવામાં આવ્યો: વડોદરા મુખ્ય ચૂંટણી અધિકારી અતુલ ગોરે જણાવ્યું હતું કે, મધુ શ્રીવાસ્તવે વાઘોડિયા વિધાનસભાથી ઉમેદવારી કરી છે. તેમના ચૂંટણી રેલી સંદર્ભે તેમને જે ઉચ્ચારણો કર્યા એ અંતર્ગત અત્રે થી એક અહેવાલ ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી કચેરીએ માંગેલ હતો. જે એક ઈન્ટરીમ રીપોર્ટ અત્રેથી મોકલવામાં આવ્યો છે અને તે અંતર્ગત કોઈ ફરીથી જો કોઈ માહિતી માંગવામાં આવશે ભારતના ચૂંટણી પંચ કે સીઈઓ તરફથી તો તે અત્રેથી મોકલવામાં આવશે.
મધુ શ્રીવાસ્તવે આપ્યો જવાબ: આ મામલે મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, આપ સૌ જાણો છો કે અપક્ષ લડતા હોય એટલે બધા જ પાર્ટીના લોકો હેરાન કરતાં જ હોય છે અને કરતાં જ આવ્યા છે. જ્યારે રૂલિંગ પાર્ટીના લોકોની પણ તપાસ કરતાં હોય તો આપણી પણ હોય જ. સુપ્રિમ સુધી લડાવે, જે પણ કંઈ કેસ કરવું હોય કરે, ઈન્ક્મ ટેક્સ મોકલવું હોય, ઈડીને મોકલવું હોય, જેને પણ મોકલીને હેરાન કરવું હોય એ કરી લો. આતો મધુભાઈ શ્રીવાસ્તવ મર્દ છે ને મર્દ જ રહેશે. વર્ષોથી મધુ શ્રીવાસ્તવ આજ છે. સાચુ કામ કર્યું છે, જીવનમાં એક રૂપાયનો ભ્રષ્ટાચાર નથી કર્યો, કોઈ મા-બેનની છેડતી નથી કરી. લોકોના દુઃખ-સુખનો ભાગીદાર બન્યો છું. યુવાનોને એટલું જ કહીઁશ કે હું શું બોલ્યો છુ એ તપાસ કરો પછી બોલો. ચૂંટણી પંચે મને કોઈ નોટિસ નથી આપી અને કોઈ ફરિયાદ થઈ નથી. ખોટુ ઉપજાવી ને આ કરી રહ્યા છે, જે ન કરવું જોઈએ. જો કોઈ નોટીસ આપશે તો હું જવાબ આપી દઈશ.
40 વર્ષથી હું રાજકારણમાં છુ: મધુ શ્રીવાસ્તવે જવાબ આપતા કહ્યું કે, હું કઈ ખોટું બોલ્યો નથી, આચાર સાહિતા ક્યારે લાગે મને ખબર છે, 40 વર્ષથી હું રાજકારણમાં છુ, અપક્ષ ઉમેદવારી કરી છે એટલે આ બધું થવાનું છે, હનુમાનજીનો ભક્ત છું હનુમાનજી કહેશે તો ફોર્મ પાછું ખેચીશ નહીં તો કોઈ કાળે ઉમેદવારી પછી નહીં લઉ. મને કોઈ નોટિસ મળી નથી અને આવશે તો હું જવાબ આપીશ.
મધુ શ્રીવાસ્તવનું નિવેદન: ઉમેદવારી નોંધાવ્યા બાદ મધુ શ્રીવાસ્તવે કાર્યકરોને કહ્યું હતું કે, કોઈનાથી ડરતા નહીં, આ બાહુબલી હજી જીવે છે. કોઈ તમારો કોલર પણ પકડે ને તો તેના ઘરે જઈને ગોળી ન મારું તો મધુ શ્રીવાસ્તવ નહીં. જેને લડવું હોય એ મેદાનમાં આવી જાય. કોઈનાથી ડરવાની જરૂર નથી. હિન્દુસ્તાન આઝાદ છે, કોઈ ધમકી આપતું હોય કે આ કરીશ, એ કરીશ તો હું છું, ડરવાની જરૂર નથી. હું જ્યારે મેદાનમાં નીકળ્યો હોવ ને, તે તો ખેલાડી કહેવાય. તો આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. વાઘોડિયામાં જે ગેરકાયદેસર મકાનો છે, તેને કાયદેસર કરી આપીશ, એ મારું વચન છે.
સુઓ મોટો રિપોર્ટ માંગ્યો: મધુ શ્રીવાસ્તવે સભામાં ખૂલ્લેઆમ ધમકી આપતાં ચૂંટણી તંત્ર દ્વારા ગંભીર નોંધ લેવામાં આવી છે. મધુ શ્રીવાસ્તવ સામે ચૂંટણી તંત્ર દ્વારા આચાર સંહિતા ભંગ માટેની કાર્યવાહી હાથ ધરી છે. ચૂંટણી પંચ દ્વારા જિલ્લા કલેક્ટર પાસે સુઓ મોટો રિપોર્ટ માંગ્યો છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા માંગવામાં આવેલા રિપોર્ટ અંગે જિલ્લા કલેક્ટર અને મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્ય પંચે વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કરેલા નિવેદન અંગે રિપોર્ટ માંગ્યો છે.
4 દિવસ પહેલાં આપ્યું રાજીનામું: ભાજપે ટિકિટ ન આપતાં 4 દિવસ પહેલાં જ વડોદરા જિલ્લાના વાઘોડિયાના ભાજપના દબંગ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું અને મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મારી ટિકિટ કપાતાં મારા સમર્થકો રોષે ભરાયા હતા, જેથી હું ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું અને હું આજે ભાજપને રામ રામ કહું છું. પાર્ટીએ મને ધારાસભ્ય તરીકે સેવાની તક આપી, પરંતુ ભાજપે ઉમેદવારી માટે ટિકિટ ન ફાળવતાં હવે હું સમાજની સેવા કરવા માગું છું અને મારા 500 સમર્થકો સાથે ભાજપમાંથી રાજીનામું આપું છું.