અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(Gujarat Assembly Elections 2022) ગણતરીને દિવસો રહ્યા છે. બે તબક્કામાં ચૂંટણી યોજાવાની છે. 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાની અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન(Voting for election) થશે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 89 બેઠકોની ચૂંટણી યોજાવાની છે. જેમાંથી 25 બેઠકો પર ત્રણ કે તેથી વધુ ઉમેદવારો સામે ક્રિમીનલ કેસો(Criminal cases against candidates) છે.
સુરતમાં સૌથી વધુ 6 બેઠકો રેડ એલર્ટ: સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકોમાંથી 25 એટલે કે 28 ટકા બેઠકો પર 3થી કે તેથી વધુ ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. સુરતમાં સૌથી વધુ 6 બેઠકો રેડ એલર્ટ છે. ભાવનગર, અમરેલી, રાજકોટમાં 3-3, પોરબંદર, જામનગરમાં 2-2 બેઠકો પર 3થી તેથી વધુ ઉમેદવારો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. જેમાં સૌથી વધુ સુરેન્દ્રનગર જિલ્લાની લીંબડી બેઠક પર સૌથી વધુ 15 ઉમેદવારો ઊભાં છે. તેમાંથી 7 ઉમેદવારો સામે ક્રિમીનલ કેસો છે. જેમાં આમ આદમી પાર્ટી, ગરવી ગુજરાત પાર્ટી તથા પાંચ અપક્ષ ઉમેદવારોનો સમાવેશ થાય છે.
પ્રથમ તબક્કામાં 100 ઉમેદવાર સામે ગંભીર ગુના: એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ - નેશનલ ઇલેકશન વોચ દ્રારા પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ઝુંકાવનારા 788 ઉમેદવારોની એફિડેવિટની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન 89 બેઠકો પૈકીની 25 બેઠકો ( 28 ટકા ) પર ક્રિમીનલ કેસો ધરાવતાં ઉમેદવારો છે. 2017 કરતાં 2022માં ગંભીર ગુનાઓ ધરાવતા ઉમેદવારોની સંખ્યા વધુ છે. 2022માં પ્રથમ તબક્કાની 89 બેઠક પર 788 ઉમેદવારમાંથી 167 ઉમેદવાર (21 ટકા) ગુનાઓ ધરાવે છે. જ્યારે 167 પૈકી 100 ઉમેદવાર (13 ટકા) ગંભીર ગુનાઓ ધરાવે છે, પક્ષ પ્રમાણે જોઈએ તો AAPના 88 ઉમેદવારમાંથી 32, કોંગ્રેસના 31 અને ભાજપના 14 ઉમેદવાર સામે ગુના દાખલ થયા છે. જ્યારે બીટીપીના 4 ઉમેદવાર સામે ગુના દાખલ થયા છે. કુલ 9 મહિલા ઉમેદવારની સામે મહિલાઓ સામે અત્યાચારના ગુનાઓ દાખલ છે. 3 ઉમેદવાર સામે મર્ડરના ગુના નોંધાયેલા છે. જ્યારે 12 ઉમેદવાર સામે હત્યાના પ્રયાસનો કેસ થયેલા છે.
2017 અને 2022ના કેસની સરખામણી: ગત 2017ની ચૂંટણીમાં આવા રેડ એલર્ટ મતક્ષેત્રોની સંખ્યા 21 હતી. ગત ચૂંટણી કરતાં આ વખતે રેડ એલર્ટ મતક્ષેત્રોની સંખ્યામાં 4 ટકાનો વધારો થયો છે. 2017માં કોંગ્રેસના 86માંથી 31 ઉમેદવારો સામે કેસ નોંધાયેલા હતા. જ્યારે 2022માં 89માંથી 31 ઉમેદવારો સામે ગુના નોંધાયેલા છે. 2017માં ભાજપના 89માંથી 22 ઉમેદવારો સામે કેસ નોંધાયેલા હતા. જ્યારે આ વખતે 89માંથી 14 ઉમેદવાર સામે કેસ નોંધાયેલા છે. 2017માં બીટીપીના 3માંથી 2 અને 2022માં 14માંથી 4 ઉમેદવાર સામે ગુના નોંધાયેલા છે.
રેડ એલર્ટ મતક્ષેત્ર એટલે શું: એક જ મતક્ષેત્રમાં ત્રણ કે તેથી વધુ ક્રિમીનલ કેસ ધરાવતાં ઉમેદવારો ચૂંટણી લડતાં હોય તેને રેડ એલર્ટ મતક્ષેત્ર(Red Alert Constituency) ગણવામાં આવે છે.