Surat News : ઓલપાડમાં નરથાણ ગામે મંદિરે ધજા ચડાવી રહેલા યુવકને વીજ કરંટ લાગતા મોતને ભેટ્યો - Surat News
🎬 Watch Now: Feature Video
Published : Mar 11, 2024, 1:45 PM IST
સુરત: ઓલપાડ તાલુકાના નરથાણ ગામે શ્રી ચતુર્થ ગણેશ મંદિરના ગેટ પર ચઢી જૂની ધજા ઉતારી નવી ધજા ચઢાવતી વખતે હાઈટેન્શન લાઈનને અડીં જતાં વીજ કરંટ લાગતા મહુવા તાલુકાના કુમકોતર ગામના યુવકનું મોત થયું હતું. મૂળ સુરત જિલ્લાના મહુવા તાલુકાના કુમકોતર ગામે નવા ફળિયાનો વતની પ્રિયલકુમાર રામસિંગભાઈ પટેલ (ઉ.વ. 25) હાલમાં ઓલપાડ તાલુકાના નરથાણ ગામે તાપ્તીવેલી સ્કૂલની બાજુમાં શ્રી ચતુર્થ ગણેશ મંદિરની પાછળની ખોલીમાં રહીને ત્યાં રાજુભાઈ રામચંદ્ર માળીના એસએમએમ આર્ટ ફેબ્રિકેશન વેલ્ડિંગના કારખાનામાં નોકરી કરતો હતો. તા. 11 માર્ચના રોજ ચતુર્થ ગણેશ મંદિરની વર્ષગાંઠ હોવાથી પ્રિયલ સાંજે મંદિરના મેઈન ગેટ પર ચઢી જૂની ધજા ઉતારી નવી ધજા ચઢાવતો ત્યારે ગેટની બાજુમાંથી પસાર થતી હાઈટેશન લાઈનના તાર સાથે ધજા અડી જતા તેને હાથમાં વીજકરંટ લાગ્યો હતો. જેથી તે અર્ધબેભાન હાલતમાં જમીન ઉપર પટકાતા તેને સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સ દ્વારા સુરત શહેરના અડાજણની ટ્રસ્ટની હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસી મૃત જાહેર કર્યો હતો.ત્યારે હાલ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હાલ સામે આવ્યા હતાં. ઓલપાડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અનુજ ભાઈએ જણાવ્યું હતું કે સમગ્ર ઘટનાની જાણ ઓલપાડ પોલીસને કરવામાં આવી છે. જેને લઇને હાલ ઓલપાડ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે .મૃતક યુવકનું નામ પ્રિયલ હોવાનું જાણવા મળ્યું છે. મૃતક યુવકના પિતાએ ઓલપાડ પોલીસ મથકે ફરિયાદ આપી છે.