સુરત: જિલ્લાની કોસંબા પોલીસ એક 24 વર્ષીય યુવક માટે દેવદૂત બની હતી. આપઘાત કરવા જાઉં છું તેવું પોલીસ કંટ્રોલ રૂમ પર જાણ કર્યા બાદ કીમ ખાડી પર એક યુવક પહોંચી ગયો હતો. જેને શોધતી શોધતી પહોંચેલી પોલીસને જોઈને યુવકે તુરંત ખાડીમાં કૂદકો મારી દીધો હતો. કોસંબા પોલીસે દોરડાની મદદથી યુવકને બચાવી લીધો હતો.
સુરત જિલ્લામાં વધુ એક વ્યક્તિનું પોલીસ સતર્કતાના કારણે જીવન બચી ગયું હતું. પોલીસ કંટ્રોલ રૂમ પર એક યુવકે કોલ કર્યો હતો અને જણાવ્યું હતું કે, હું કીમ ખાડી બોરસરા ખાતે આત્મહત્યા કરવા જાઉ છું. તેમ કહી ફોન કટ કરી નાખ્યો હતો. જેને લઇને કન્ટ્રોલ દ્વારા કોસંબા પોલીસને વર્ધી આપવામાં આવી હતી. કોસંબા પોલીસ મથકના પીઆઈ એમ .કે સ્વામીના માર્ગદર્શન હેઠળ કોસંબા પોલીસ મથકના પીએસઆઈ પરાક્રમસિંહ કછવાહાએ ઘટનાને ગંભીરતાથી લઈને પોતાની ટીમ સાથે યુવકને શોધવા નીકળી ગયા હતા. અને યુવકને સતત ફોન કરી વાતોમાં મશગુલ રાખ્યો હતો અને પોલીસ લોકેશન કાઢી માંગરોળના મોટા બોરસરા ગામે કિમ ખાડી પર પહોંચી ગઈ હતી. પોલીસને જોઇને યુવક તુરંત જ કીમ ખાડીમાં કૂદી ગયો હતો. જેણે લઇને પોલીસે સ્થાનિકોની મદદથી નદીમાં દોરડું નાખું ત્યારબાદ તેને સમજાવી ફોસલાવી દોરડું પકડાવી બહાર કાઢ્યો હતો અને તેઓનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ ઝહિર ઉર્ફે ઘોડા જાવિદ શેખ (ઉ.24,રહે.સિયાળજ,માંગરોળ) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તુરંત તેઓના પરિવારનો સંપર્ક કરી તેઓને બોલાવ્યા હતા. અને યુવકનો સહી સલામત કબજો આપી જીવન કેટલું કીમતી છે તેની સમજ આપી હતી. ત્યારે કોસંબા પોલીસની સમય સૂચકતાના કારણે એક યુવકનો જીવ જતા બચી ગયો હતો. કોસંબા પોલીસની કામગીરી સૌ કોઈએ બિરદાવી હતી.