જૂનાગઢ: મ્યુનિસિપલ કોર્પોરેશનની મુદત 31મી જુલાઈના દિવસે પૂરી થવા જઈ રહી છે. શાસનના અંતિમ એક મહિનામાં વર્તમાન જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો અનોખો વિરોધનો સામનો પણ કરી રહ્યા છે. જૂનાગઢના યુવાન લોકેશ પોપટાણી દ્વારા પાછલા પાંચ વર્ષ દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા લોકોના પ્રાણ પ્રશ્નોને વાંચા નહીં આપીને જૂનાગઢ વાસીઓની ઈચ્છા અને અપેક્ષાઓને પૂર્ણ નથી કરી. તેના વિરોધમાં મંજીરા સાથે જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસની સામે વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે
યુવાને અનોખી રીતે પ્રદર્શન શરુ કર્યુ: લોકેશ પોપટાણી માને છે કે, જાડી ચામડીના લોકો પાછલા પાંચ વર્ષથી લોકોના પ્રશ્નોને સમજવામાં નિષ્ફળ રહ્યા છે, ત્યારે મંજીરાનો અવાજ તેમના કાન સુધી પહોંચે અને લોકોને જે પાંચ વર્ષ દરમિયાન મુશ્કેલી પડી છે. તેને સમજે અને આવનારા 30 દિવસમાં લોકોની મુશ્કેલીમાં ઘટાડો થાય તે માટે કામ કરે તેને લઈને આજે અનોખી રીતે વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ છે.
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનો પ્રતિભાવ: જૂનાગઢના યુવાન દ્વારા મંજીરા સાથે પાછલા પાંચ વર્ષના સત્તાકાળનો વિરોધ કરવામાં આવ્યો છે. તેને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશ પરસાણાએ ETV BHARAT સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે, જુનાગઢ મનપા વિસ્તારમાં ભૂગર્ભ ગટર પીવાનું પાણી અને ગેસની લાઈન નાખવાના કામો તબક્કાવાર ચાલી રહ્યા છે. જેને કારણે લોકોને મુશ્કેલી પડી છે.
લોકો કાયદામાં રહીને વિરોધ કરી શકે છે: પીવાનું પાણી ભુગર્ભ ગટર અને રાંધણ ગેસની પાઇપલાઇન જમીનમાં નીચે બિછાવવાની હોય છે. જેને કારણે જાહેર માર્ગો અને શહેરના આંતરિક માર્ગોને પણ ખોદવામાં આવ્યા છે. જ્યાં કામ પૂરું થયું છે ત્યાં નવેસરથી રોડ બનાવવાની કામગીરી કેટલાક વિસ્તારમાં પૂરી થઈ છે તો કેટલાક વિસ્તારમાં ચાલી રહી છે જેને કારણે લોકોને અગવડતા પડી રહી છે. પરંતુ લોકશાહીમાં દરેક વ્યક્તિને તેમની ઈચ્છા અનુસાર કાયદામાં રહીને વિરોધ કરવાની સ્વતંત્રતા પણ મળેલી છે. જેથી આ યુવાન વિરોધ કરી રહ્યો હશે.
સ્થાનિક નાગરિકે વ્યક્ત કર્યો વસવસો: જૂનાગઢના સ્થાનિક નાગરિક અમૃત દેસાઈ એ પણ પાછલા પાંચ વર્ષના જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસનકાળને ખૂબ જ દુઃખદ ગણાવ્યો છે. તેઓ આક્ષેપ લગાવે છે કે, નરેન્દ્ર મોદીના નામ સાથે ચૂંટણી જીતીને પાંચ વર્ષ સુધી કોર્પોરેશનમાં સત્તા મેળવનાર સત્તાધીશો જૂનાગઢ શહેરને વિનાશની દિશા તરફ આગળ લઈ ગયા છે. જેને ભાજપનો શાસનકાળ કહેવાય નહીં. વર્તમાન સત્તાધીશોનો પાંચ વર્ષનો શાસનકાળ જૂનાગઢના પ્રત્યેક લોકો માટે એક નિરાશા રૂપ સાબિત થયો છે.