વડોદરાઃ યુવકે પરિણીતાના ઘરમાં ઘૂસીને પરિણીતાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના નંદેસરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા આવી છે. જેને લઇને ખળભળાટ મચી જવા પામી છે. જાણવા મળતી માહિતી મુજબ દુષ્કર્મ કેસમાં આરોપી વાઘોડિયા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા અન્ય નેતાઓના નિકટનો હોવાની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. અહીં આપને જણાવી દઈએ કે અગાઉ આ ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પૂર્વ પીએ રાજેશ ગોહિલ સામે પણ દુષ્કર્મની ફરિયાદ નોંધાઇ ચુકી છે. જોકે દુષ્કર્મની ઘટના સાથે નેતાનો કોઈ સીધો સંબંધ છે કે નથી તે અંગે કોઈ પ્રકારની બાબતો તપાસમાં હજુ સુધી સામે આવી નથી છતા ફરિયાદ નોંધાયા બાદ દુષ્કર્મના આરોપીની નેતાઓ સાથેની તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થવા લાગી છે.
જાનથી મારી નાંખવાની ધમકી
સમગ્ર ઘટના અંગે વડોદરા નંદેસરી પોલીસ મથકમાં પીડિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, ગતરાત્રે પરિણીતા તેના ઘરમાં નિંદ્રાધીન હતા. દરમિયાન આકાશ ભગવાનભાઇ ગોહિલ (રહે. કૃષ્ણનગર, અનગઢ ગામ, વડોદરા) એ પીડિતાના ઘરે આવીને તેમની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ આચર્યું હતું ત્યાર બાદ તેને ધમકી આપી હતી કે જો આ વાતની જાણ કોઇને કરીશ તો તને જાનથી મારી નાંખીશ, અને ત્યાંથી નાસી છુટ્યો હતો. જતા પહેલા તેણે પીડિતાના ફોનની વોટ્સએપ ચેટ ડિલીટ કરી દીધી હતી. આખરે પીડિતાએ આ સમગ્ર ઘટના તેના પતિને જણાવી હતી.
અગાઉ ધારાસભ્યના પૂર્વ પીએ સામે પણ નોંધાઇ ચુકી છે દુષ્કર્મની ફરિયાદ
જાણવા મળતી માહિતી મુજબ વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પૂર્વ પીએ રાજેશ ગોહિલ સામે મેં – 2024 માં એક પરિણીતા ઉપર તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યાર બાદ આજે તેમની સાથે નિકટતા ધરાવતા યુવક સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે બંને દુષ્કર્મની ઘટના સાથે નેતાનો કોઈ સીધો સંબંધ છે કે નથી તે અંગે કોઈ પ્રકારની બાબતો તપાસમાં હજુ સુધી સામે આવી નથી.
એફએસએલ દ્વારા જરૂરી નમુના લેવાની કાર્યવાહી કરાઇ
આ સમગ્ર ઘટના અંગે પરિણીતાએ નંદેસરી પોલીસ સ્ટેશને આકાશ ભગવાનભાઇ ગોહિલ (રહે. કૃષ્ણનગર, અનગઢ ગામ, વડોદરા) સામે ફરિયાદ નોંધાવી છે. ઘટના બાદ પીડિતાના મેડિકલ તપાસ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. તો આ મામલે એફએસએલ દ્વારા જરૂરી નમુના લેવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
જાણવા મળતી માહિતી મુજબ આકાશ ભગવાનભાઇ ગોહિલ, વાઘોડિયા બેઠક ઉપરથી ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા અન્ય નેતાઓ સાથે નિકટતા ધરાવે છે. ખાસ કરીને ચૂંટણી સમયે તે નેતાઓની આસપાસમાં જ રહેતો હોય છે. પોતાની યાદગીરી માટે ફોટા પડાવતા હોય છે અને પછી તેનો દુરુપયોગ પણ કેટલાક ઈસમો કરતા હોય છે. જેથી આમ જનતાને તસવરોનો શોઓફ કરી ડરાવતા આવા ઈસમો સામે કડક કાર્યવાહી પણ થવી જોઈએ તેવી લોકો માગ ઉઠવા પામી છે.